(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે કહ્યું કે હું જ્યારે સરકારનો એક ભાગ હતો તે દરમિયાન અમોએ રિઝર્વ બેંકના કાયદાની કલમ ૭નો ક્યારેય પણ ઉપયોગ કર્યો ન હતો. આ કલમ હેઠળ સરકાર રિઝર્વ બેંકને જાહેરહિતને ધ્યાનમાં રાખી પોતાની ઈચ્છા મુજબ સીધી રીતે આદેશ આપી શકે છે. ચિદમ્બરમે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે સરકારેે આ મુજબ આદેશ પાડ્યો છે એનાથી સ્પષ્ટ છે કે, સરકાર આર્થિક બાબતોની હકીકતો છુપાવી રહી છે. એમણે કહ્યું કે જે રીતે મને સમાચારો મળ્યા છે અને જો એ ખરા હોય કે સરકારે રિઝર્વ બેંકના કાયદાની કલમ ૭ હેઠળ અભૂતપૂર્વ દિશા-નિર્દેશો આરબીઆઈને આપ્યા છે તો એનાથી મને ભય છે કે આનાથી પણ વધારે ખરાબ સમાચારો આવી શકશે. અમોએ ૧૯૯૧, ૧૯૯૭, ર૦૦૮ અથવા ર૦૧૩માં જ્યારે પરિસ્થિતિઓ ખૂબ જ પ્રતિકૂળ હતી, ત્યારે પણ આ કલમ હેઠળ આરબીઆઈને આદેશો આપ્યા ન હતા. મીડિયા અહેવાલો મુજબ સરકારે આરબીઆઈ કાયદાની કલમ ૭ હેઠળ રિઝર્વ બેંકને આદેશ આપ્યા છે. જો કે અન્ય રિપોર્ટ સૂચવે છે કે આ કલમનો ઉપયોગ કરવા વિચારણાઓ કરી છે પણ હજુ સુધી એનો અમલ નથી કર્યો.