(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે છત્તીસગઢમાં યોજાયેલી એક ચૂંટણી રેલીમાં કોંગ્રેસને નેહરૂ-ગાંધી પરિવાર બહારના કોંગ્રેસના નેતાને પાંચ વર્ષ માટે પક્ષ પ્રમુખ બનાવવાનો પડકાર ફેંક્યો હતો. મોદીનો આ પડકાર ઝીલીને પૂર્વ કેન્દ્રીય નાણા પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે નેહરૂ-ગાંધી પરિવાર બહારના કોંગ્રેસના ૧૫ પ્રમુખોના નામ બતાવ્યા છે. કોંગ્રેસના નેહરૂ-ગાંધી પરિવાર બહારના કોંગ્રેસના પ્રમુખોમાં આચાર્ય કૃપલાની, પટ્ટાભી સીતારમૈયા, પુરૂષોત્તમદાસ ટંડન, યુએન ધેબર, સંજીવ રેડ્ડી, સંજીવૈયા, કામરાજ, નિજલિંગપ્પા, સી.સુબ્રમણ્યમ, જગજીવનરામ, શંકર દયાલ શર્મા, ડીકે બરૂઆ, બ્રહ્માનંદ રેડ્ડી, પીવી નરસિંહરાવ અને સીતારામ કેસરીનો સમાવેશ થાય છે. આ નેતાઓના નામ બતાવીને ચિદમ્બરમે પાર્ટીના વારસાદની યાદ અપાવી છે. ચિદમ્બરમે વડાપ્રધાનને હવે પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા રાફેલ વિમાન સોદા, બેરોજગારી અને ખેડૂતોની આત્મહત્યા પર બોલવાનું કહ્યું છે. ચિદમ્બરમે સતત ટિ્‌વટ કરીને કોંગ્રેસ પ્રમુખોના નામ ગણાવીને જણાવ્યું કે કોંગ્રેસને સ્વતંત્રતા બાદ બાબા સાહેબ ભીમ રાવ આંબેડકર, લાલ બહાદુર શાસ્ત્રી, કે.કામરાજ અને મનમોહનસિંઘ જેવા સામાન્ય પૃષ્ઠભૂમિના નેતાઓ અને સ્વતંત્રતા પહેલાના અન્ય ઘણા હજારો નેતાઓ પર ગર્વ છે. મોદી સામે નિશાન સાધતા ચિદમ્બરમે જણાવ્યું કે તેઓ આભારી છે કે વડાપ્રધાન આ વાત અંગે ચિંતિત છે કે કોંગ્રેસ પ્રમુખ તરીકે કોને ચૂંટી કાઢવામાં આવ્યા હતા અને આ બાબતે વાત કરવા માટે તેમની પાસે ઘણો સમય છે.