(એજન્સી) નવી દિલ્હી, તા.૨૩
સુપ્રીમ કોર્ટમાં INXમીડિયા કેસમાં ભૂતપૂર્વ કેન્દ્રીય નાણા પ્રધાન પી.ચિદમ્બરમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા કરવામાં આવનારી ધરપકડ અંગે શુક્રવારે વચગાળાની સુરક્ષા આપી છે. સુપ્રીમકોર્ટે ઈડી મામલામાં સોમવાર સુધી ચિદમ્બરમની ધરપકડ નહીં કરવાનું  કહ્યું છે, પરંતુ સીબીઆઈના કેસમાં રાહત આપી નથી. સુપ્રીમકોર્ટ સીબીઆઇની કસ્ટડી ૨૬મી ઓગસ્ટે પુરી થશે ત્યારે કેસના સંદર્ભમાં સીબીઆઇ દ્વારા ધરપકડ સામેની ચિદમ્બરમની અપીલ અંગે સુનાવણી કરશે. સીબીઆઇ અને ઇડી દ્વારા આઇએનએક્સ મીડિયા કેસની તપાસ કરવામાં આવી રહી છે. INX કેસમાં ઈડી અને સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલા કેસમાં હવે સોમવારે સુનાવણી કરવામાં આવશે. INX મામલામાં ઈડીએ મની લોન્ડરિંગ અને સીબીઆઈએ ભ્રષ્ટાચારનો કેસ કર્યો છે. ન્યાયમૂર્તિઓ આર.બાનુમતી અને એએસ બોપન્નાની બનેલી બેંચે બંને ઇડી અને સીબીઆઇના કેસોની સુનાવણી સોમવારે હાથ ધરવાનું નક્કી કર્યું છે. બેંચેે જણાવ્યું કે અરજદારના વકીલો અને સોલિસીટર જનરલની રજૂઆતો સાંભળ્યા બાદ અમારો એવો અભિપ્રાય છે કે ઇડીના કેસમાં સહ-આરોપીના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. કેસની વધુ સુનાવણી સુધી ધરપકડ કરવામાં આવશે નહીં. સોમવારે અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. ઇડી સોમવાર સુધીમાં તેનો જવાબ રજૂ કરે અને દલીલો કરે. કોંગ્રેસના નેતાઓ અને વકીલો કપિલ સિબ્બલ અને અભિષેક મનુસિંઘવીએ ચિદમ્બરમ તરફથી રજૂઆત કરી હતી જ્યારે તપાસ એજન્સીઓ તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરી હતી. તુષાર મહેતાએ એવી રજૂઆત કરી હતી કે ચિદમ્બરમે માત્ર ભારતમાં જ નહી ં પરંતુ વિદેશમાં પણ સંપત્તિઓ ખરીદી હોવાનું પૂરવાર કરવા માટે ઇડી દ્વારા અસંખ્ય પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. તેમણે એવું પણ કહ્યું કે બનાવટી કંપનીઓ દ્વારા જંગી રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ ટ્રાન્ઝેક્શન્સ ઉઘાડા પાડવા માટે ચિદમ્બરમની કસ્ટડીમાં પૂછપરછ કરવાનું જરૂરી છે.

ધારા ૩૭૦ અંગે પ્રશ્ન ઉઠાવવા બદલ
પી. ચિદમ્બરમની ધરપકડ કરાઈ !!! પાકિસ્તાન

પૂર્વ ગૃહમંત્રી પી.ચિદમ્બરમની ધરપકડનો પાકિસ્તાનમાં વિરોધ થયો છે. પાકિસ્તાની સંસદમાં સીનેટર રહમાન મલિકે કહ્યું કે ૩૭૦ પર પ્રશ્ન ઉઠાવાના લીધે પી.ચિદમ્બરમની ધરપકડ કરાઇ છે. આ કાશ્મીરની સ્થિતિ પરથી ધ્યાન હટાવાની કોશિષ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ને ખુલી છૂટ આપી છે. સેનેટરે આશંકા વ્યક્ત કરી છે કે આવનારા દિવસોમાં વિપક્ષી નેતાઓની વધુ ધરપકડ થશે જેથી કરીને તમામ વિરોધી અવાજોને દબાવી શકે. રહમાન મલિકે કહ્યું કે જ્યારે ચિદમ્બરમ ઇસ્લામાબાદમાં સાર્ક સંમેલનમાં ભાગ લેવા માટે પાકિસ્તાન આવ્યા હતા તો તેમણે ચેતવણી આપી હતી કે ભારતમાં હિન્દુ કટ્ટરપંથીઓની નવી બ્રિગેડ ઉભી થવા જઇ રહી છે. મલિકે કહ્યું કે એ સમયે હું સહમત નહોતો, પરંતુ બાદમાં સ્વીકાર કરવો પડ્યો કે ચિદમ્બરમ સાચા હતા. રહમાન મલિકે કહ્યું પીએમ મોદી માત્ર કાશ્મીરીઓને માર્યા નથી પરંતુ એ રાજનેતાઓને પણ નિશાન બનાવી રહ્યા છે જે તેની અતિવાદી વિચારધારાનો વિરોધ કરી રહ્યા છે. મલિકે આંતરરાષ્ટ્રીય સમુદાય અને માનવાધિકાર સંગઠનોનું આહ્વાન કર્યું કે તેઓ નિર્દોષ કાશ્મીરીઓની વિરૂદ્ધ થઇ રહેલા અત્યાચારની નોટિસ લો.