(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા પી ચિદમ્બરમ પર સરકારનો ગાળિયો વધુ મજબૂત થઇ રહ્યો છે. INX  મીડિયા સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર મામલે આરોપી બનાવવામાં આવેલા પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમની આગોતરા જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. આ અરજી ફગાવાતા ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સીબીઆઇની ૧૦ લોકોની ટીમ ચિદમ્બરમના દિલ્હીના નિવાસે પહોંચી હતી પણ અહેવાલો અનુસાર ચિદમ્બરમ ઘરે ન મળતા ટીમ પરત ફરી હતી. સીબીઆઇની ટીમ પરત ફરવાની કેટલીક મિનિટોમાં જ ઇડીની ટીમ પણ ચિદમ્બરમના ઘરે પહોંચી ગઇ હતી. બંને એજન્સીઓના અધિકારીઓ દ્વારા તેમને સતત ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો પણ ચિદમ્બરમ ક્યાં છે તેની કોઇ તાત્કાલિક માહિતી મળી ન હતી. ઉલ્લેખનીય છે કે, ચિદમ્બરમને દિલ્હી હાઇકોર્ટમાંથી જામીન ન મળતા તેઓ તાત્કાલિક સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે પણ તેમની અરજી પર બુધવારે સુનાવણી કરવા જણાવ્યું હતું. તેઓ સાંજે પાંચ વાગ્યા સુધી સુપ્રીમ કોર્ટમાં જ હતા પરંતુ ત્યારબાદ તેઓ ક્યાં ગયા તેની કોઇ જાણકારી મળી ન હતી.
જેથી હવે તેમની ગમે ત્યારે ધરપકડ કરવામાં આવી શકે છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ હાઈકોર્ટ પાસે ૩ દિવસની મહોલત માંગી છે. આગોતરા જામીન ફગાવવામાં આવ્યા બાદ હવી ઈડી અને સીબીઆઈ ગમે ત્યારે ચિદમ્બરમની ધરપકડ કરી શકે છે. જોકે હાઈકોર્ટે અરજી ફગાવવા ચિદમ્બરમે હવે સુપ્રીમ કોર્ટના દરખવાજા ખખડાવ્યા છે. સીબીઆઈએ આઈએનએક્સ મીડિયા મામલે ચિદમ્બરમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જ્યારે ઈડીએ મનિ લોન્ડરિંગ મામલે ફરિયાદ દાખલ કરી હતી. જસ્ટિસ સુનીલ ગૌડેએ દરેક પક્ષની દલીલ સાંભળ્યા પછી ચિદમ્બરમના આગોતરા જામીન વિશે ૨૫ જાન્યુઆરી નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો. ચિદમ્બરમ પર આઈએનએક્સ મીડિયાને ફોરેન ઈન્વેસ્ટમેટ પ્રોમોશન બોર્ડ પાસેથી ગેરકાયદેસર રીતે મંજુરી આપવા માટે ૩૦૫ કરોડ રૂપિયા લેવાનો આરોપ છે. આ કેસમાં અત્યાર સુધી ચિદમ્બરને કોર્ટે બે ડઝન વાર અંતરિમ પ્રોટેક્શન એટલે કે ધરપકડથી રાહત આપી છે. આ કીસ ૨૦૦૭નો છે જ્યારે ચિદમ્બરમ દેશના નાણાંમંત્રી હતા. આ મામલે સીબીઆઈ અને ઈડી અગાઉ જ ચિદમ્બરમના દિકરા કાર્તિની ધરપકડ કરી ચુકી છે. હાલ તે પણ જામીન પર બહાર છે. આ કેસમાં રસપ્રદ વળાંક ત્યારે આવ્યો હતો જ્યારે ઈન્દ્રાણી મુખરજી ૪ જુલાઈએ સરકારી સાક્ષી બની ગઈ. ૨૦૧૭માં સીબીઆઈએ આ મામલે ફોરેન ઈન્વેસ્ટમેંટ પ્રોમોશન બોર્ડથી મંજૂરી મેળવવા મામલે કેસ નોંધ્યો હતો. જ્યારે ઈડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.