(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૧
પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમની સીબીઆઇની ટીમે બુધવારે રાતે હાઇવોલ્ટેજ ડ્રામા બાદ ધરપકડ કરી લીધી હતી. ધરપકડની થોડીવાર પહેલા જ ચિદમ્બરમે કોંગ્રેસ મુખ્ય મથકમા પત્રકાર પરિષદ કરી હતી જે બાદ સીબીઆઇની ટીમ તેમના ઘરે પહોંચી હતી. ચિદમ્બરમના ઘરનો દરવાજો બંધ હોવાના કારણે સીબીઆઇના અધિકારીઓ દિવાલ કૂદીને કમ્પાઉન્ડમાં ઘૂસી ગયા હતા અને તેમના ઘરમાં ઘૂસીને ધરપકડ કરી હતી. સીબીઆઇની ટીમ ચિદમ્બરમના જોર બાગગ ખાતેના આવાસે પહોંચી હતી. ત્યારબાદ તેમની ધરપકડ કરીને સીબીઆઇની ઓફિસે લઇ ગઇ હતી. માનવામાં આવે છે કે ચિદમ્બરનું અહીં મેડીકલ ટેસ્ટ કરવામાં આવશે ત્યારબાદ ગુરૂવારે સવારે તેમને સીબીઆઇ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને સીબીઆઇ તેમના રિમાન્ડની માગણી કરી શકે છે. સીબીઆઇએ બીજી તરફ એવી પણ જાહેરાત કરી છે કે, તેની પાસે ચિદમ્બરમની ધરપકડ કરવાનો વોરન્ટ હતો. બીજી તરફ કોંગ્રેસના કાર્યકરોએ તેમના ઘર બહાર ધરણા શરૂ કરી દીધા હતા. ત્યાં ભાજપના કાર્યકરો પણ આવી ચડ્યા ત્યારે બંને પક્ષોના કાર્યકરો વચ્ચે મારામારી થઇ અને બાદમાં ભાજપના કાર્યકરો ત્યાંથી જતા રહ્યા હતા. સૂત્રો અનુસાર સીબીઆઇની ટીમ આખી રાત ચિદમ્બરમને પોતાની ઓફિસમાં રાખશે અને પુછપરછ કરી શકે છે. અહેવાલો એવા પણ મળી રહ્યા છે કે, ગુરૂવારે સીબીઆઇની ટીમ તેમને કોર્ટમાં રજૂ કરી શકે છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી તરત રાહત મળી નથી અને તેઓ હજુ પણ ધરપકડની લટકતી તલવારનો સામનો કરી રહ્યા છે. ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને વચગાળાના સંરક્ષણની માગ કરી હતી. જોકે, તેમની અરજી પર શુક્રવારે સુનાવણી કરવાનો આદેશ અપાયો હતો. ચિદમ્બરમે કોર્ટ નંબર ૩માં જસ્ટિસ એનવી રમના સામે અરજી દાખલ કરીને તાત્કાલિક સુનાવણી કરવાની માગણી કરી હતી. પણ જસ્ટિસ રમનાએ આ અરજી સીજેઆઇને મોકલી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ અરજી પર શુક્રવારે સુનાવણી થશે. મંગળવારે ધરપકડમાંથી રાહત આપવાનો હાઇકોર્ટ દ્વારા ઇન્કાર કર્યા બાદથી ચિદમ્બરમનો પત્તો ના મળતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચિદમ્બરમ સામે લૂકઆઉટ સર્ક્યુલર બહાર પાડ્યું છે. આ પહેલા મંગળવારે સીબીઆઇની ટીમ પણ તેમના દિલ્હીના મકાન પર બે વખત પહોંચી હતી. ધરપકડમાંથી વચગાળાની રાહતની માગ કરતી ચિદમ્બરમની અરજી પર સીબીઆઇ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, આ ઘણો મોટો મની લોન્ડ્રીંગનો કેસ છે. સિનિયર વકીલ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે ત્રણ જજોની બેંચને જણાવ્યું હતું કે, ચિદમ્બરમ એવી ગેરંટી આપવા તૈયાર છે કે, તેઓ અહીંથી ક્યાંય જશે નહીં અને તેથી જ તેમની ધરપકડ પર રોક લગાવવામાં આવે. જો ધરપકડ થાય તો તેમની છબિને ન પૂરી શકાય તેવું નુકસાન થઇ શકે છે. જોકે, કોર્ટે જણાવ્યું હતું કે, અરજકર્તાની અરજી દોષપૂર્ણ છે અને તેની ત્રુટિઓ ન હોવાની પુષ્ટી બાદ જ લિસ્ટીંગ માટે મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પી ચિદમ્બરમ મંગળવારે હાઇકોર્ટમાં જામીન અરજી ફગાવાયા બાદથી જ લાપતા છે. હવે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શુક્રવારે થવાની વાતથી સ્પષ્ટ છે કે, તેમની સામે ધરપકડની તલવાર હજુ પણ લટકી રહી છે. મંગળવારે દિલ્હી હાઇકોર્ટમાં ચિદમ્બરમની જામીન અરજી ફગાવાયા બાદથી જ તેઓ ગાયબ છે. મંગળવારે સાંજે સીબીઆઇ અને ઇડીની ટીમો તેમની દિલ્હી ખાતેના નિવાસે પહોંચ્યા હતા. આ દરમિયાન ચિદમ્બરમ ઘરે ન મળતા તપાસ એજન્સીઓ તેમના સ્ટાફની પુછપરછ કરીને પરત ફરી હતી. હવે એજન્સીઓને આશરે ૪૮ કલાકનો સમય મળી ગયો છે જેથી તેઓની ધરપકડ થાય તેવી સંભાવના વધી ગઇ છે. ઇડીએ લૂકઆઉટ સર્ક્યુલર જારી કરતા ચિદમ્બરમ હવે એરપોર્ટ કે કોઇપણ જાહેર સ્થળો પરથી વિદેશ જવાની તૈયારી કરે તો તેમની ધરપકડ થઇ શકે છે. સીબીઆઇ અને ઇડીની ટીમોએ નોટિસ મળ્યાથી બે કલાકમાં તેમની સમક્ષ હાજર થવાની નોટિસ ફટકારી હતી.
ચિદમ્બરમ પરિવારની મુશ્કેલી વધી, મદ્રાસ હાઇકોર્ટે કાર્તિ અને પત્નીની અરજી ફગાવી
પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમનો પરિવાર ન્યાયપાલિકા સામે ખરાબ નસીબનો સામનો કરી રહ્યો છે. આઇએનએક્સ મીડિયા કેસમાં આગોતરા જામીન આપવાનો દિલ્હી હાઇકોર્ટ દ્વારા ઇન્કાર કર્યા બાદ તેમના પુત્ર અને પુત્રવધુને પણ મદ્રાસ હાઇકોર્ટમાં અરજી રદ થવાનો સામનો કરવો પડ્યો છે. મદ્રાસ હાઇકોર્ટે કાર્તિ ચિદમ્બરમ અને તેમની પત્ની શ્રીનિધિ ચિદમ્બરમ વિરૂદ્ધ આવકવેરા વિભાગ દ્વારા કરાયેલા કરચોરીના કેસમાં સુનાવણીની કાર્યવાહી પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો છે. કાર્તિ સાંસદ છે જ્યારે તેમના પત્ની શ્રીનિધિ ધારાસભ્ય છે. આ મામલો માર્ચ ૨૦૧૫માં મુટ્ટુકડુમાં ૧.૧૬ એકર સંપત્તિના વેચાણ બાદ કરવેરાની ચુકવણી સંબંધિત હતો. આઇટી અધિકારીઓ દ્વારા એક જાહેરાતમાં દાવો કરાયો હતો કે, એકલા જ ૩.૬૫ કરોડનો ચેક પ્રાપ્ત કરવાના અંગે વેચાણ પર વિચારણા કરાઇ હતી અને ૧.૩૫ કરોડ રૂપિયા રોકડા લેવા બદલ વેરો ચુકવાયો ન હતો. આ આરોપને જુઠ્ઠો અને નિરાધાર ગણાવતા સંપત્તિ ખરીદનારા અરજકર્તાઓએ અગ્નિ એસ્ટેટ અને ફાઉન્ડેશન પ્રાઇવેટ લિમિટેડ પાસેથી રોકડમાં કોઇ નાણા નહીં લીધા હોવાનો દાવો કર્યો હતો. આ કેસ વર્ષ ૨૦૧૫નો હતો અને કાર્તિ ચિદમ્બરમ આ વર્ષે મે માસમાં જ સાંસદ બન્યા હતા તેથી આ કેસ વિશેષ અદાલતમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યો ન હતો.
કોંગ્રેસ-ગાંધી પરિવાર ચિદમ્બરમની વહારે, કેન્દ્ર સરકાર પર પ્રહાર
ભ્રષ્ટાચાર કેસમાં બે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા વોન્ટેડ જાહેર કરાયેલા પૂર્વકેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમના સમર્થનમાં સમગ્ર કોંગ્રેસ પાર્ટી આવી ગઇ છે જેમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો પણ સમાવેશ થાય છે. મંગળવારે સાંજથી સીબીઆઇ અને ઇડી તેમને શોધવામાં નિષ્ફળ ગયા બાદ પૂર્વ નાણામંત્રી વિરૂદ્ધ બુધવારે સવારે લૂકઆઉટ સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ આ પગલાંને સત્તાનો દુરૂપયોગને શમરજનક ગણાવ્યું હતું જ્યારે પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, પૂર્વ પ્રધાનનો શરમજનક રીતે પીછો કરાઇ રહ્યો છે. મંગળવારે દિલ્હી હાઇકોર્ટે એમ કહીને ચિદમ્બરમને ધરપકડમાંથી રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો કે, તપાસ એજન્સીઓ દ્વારા પુરી પાડવામાં આવેલી સામગ્રી મહત્વની છે અને તે ભયંકર અપરાધ છે તેથી ધરપકડમાંથી બચવાના આદેશ ના આપી શકાય. તેના કલાકોમાં જ સીબીઆઇ અને ઇડીની ટીમો તેમના ઘરે પહોંચી ગઇ હતી. તેમને શોધવામાં નિષ્ફળ જતા તેમાંથી કેટલાક અધિકારી આખી રાત ત્યાં રોકાયા હતા. બુધવારે સવારે તેમની સામે લૂકઆઉટ નોટિસ બહાર પાડવાના અહેવાલો સાંભળતા કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, તેમના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધીએ સરકારના પગલાંનો જોરદાર વિરોધ કર્યો હતો અને પાર્ટીની સત્તાવાર વેબસાઇટ પરથી ટિ્વટનો મારો ચલાવ્યો હતો. રાહુલ ગાંધીએ ટિ્વટમાં જણાવ્યું કે, સીબીઆઇ,ઇડી અને કરોડરજ્જુ વિનાના મીડિયાનો ચિદમ્બરમની છબિ ખરડવા માટે સરકાર ઉપયોગ કરી રહી છે. પ્રિયંકા ગાંધીએ ટિ્વટમાં જણાવ્યું કે, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત અને રાજ્યસભાના માનનીય સભ્ય ચિદમ્બરમે નાણામંત્રી અને ગૃહમંત્રી તરીકે દેશની નિસ્વાર્થ સેવા કરી છે. તેમણે ભય વિના આ સરકારની નિષ્ફળતાઓ અને શાસનને ખુલ્લું પાડ્યું છે પણ કાયરોને સત્ય પચતું નથી તેથી શરમજનક રીતે તેમનો પીછો કરવામાં આવે છે. બીજી તરફ આ મુદ્દે ભાજપે ગર્ભિત મૌન સેવી રાખ્યું છે.
Recent Comments