(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે રવિવારે ભાજપને આર્થિક વિકાસના સત્તાવાર આંકડા જારી કરવા પડકાર ફેંક્યો હતો. ભાજપના પ્રમુખ અમિત શાહના નિવેદન સામે પ્રતિક્રિયા આપતા ચિદમ્બરમે ઉક્ત પડકાર ફેંક્યો હતો. શાહે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, યુપીએ શાસન કરતાં નરેન્દ્ર મોદીની સરકાર આર્થિક મોરચે સફળ નીવડી છે. શાહે આ મામલે ચિદમ્બરમને પડકાર ફેંકવા ભાજપના નેતાઓને નિર્દેશ આપ્યો હતોે. તેમણે પાર્ટી નેતાઓને જણાવ્યું હતું કે, તેઓ આર્થિક મામલે ચર્ચા કરવા ચિદમ્બરમને પડકાર ફેંકે.
ચિદમ્બરમે શાહના આ નિવેદન અંગે ભાજપને પડકાર ફેંક્યો હતો કે તે આર્થિક વિકાસના સત્તાવાર આંકડા જારી કરે. ચિદમ્બરમે પ્રશ્ન કર્યો હતો કે, તે સેન્ટ્રલ સ્ટેટીસ્ટીકલ ઓર્ગેનાઈઝેશન (સીએસઓ)ના આંકડાને માન્ય રાખશે કે નહીં ? ચિદમ્બરમે જણાવ્યું હતું કે, યુપીએ-૧ અને યુપીએ-રના શાસનમાં આર્થિક વિકાસ દર સૌથી વધુ હતો. સ્વતંત્રતા બાદ યુપીએના શાસનમાં આર્થિક વિકાસ દર સૌથી વધુ રહ્યો હતો. યુપીએ-૧ના શાસનમાં સરેરાશ વૃદ્ધિ દર ૮.૮૭ ટકા રહ્યો હતો જ્યારે યુપીએ-રના શાસનમાં આ દર સરેરાશ ૭.૩૯ ટકા રહ્યો હતો.