સુપ્રીમ કોર્ટમાં પી. ચિદમ્બરમ તરફે રજૂઆત કરતા વકીલ સિંઘવીએ જણાવ્યું કે અસહયોગ અથવા ભાગેડું ત્યારે કહેવાય જયારે હું પૂછપરછ માટે મળી આવતો ન હોઉ. પણ અહીં જયારે જયારે મને બોલાવ્યો હતો. ત્યારે હું ગયો હતો. આ કિસ્સામાં અસહયોગની પરિભાષા જ ફરિયાદ પક્ષ જુદી આપી રહ્યું છે. એમના મતે સહયોગ અર્થાત એમને જે જવાબ ગમતા હોય એ જ જવાબો આપવા. જો એમનાથી વિપરીત જવાબો આપીએ તો એને અસહયોગ કહેવાય. સિંઘવીએ દિલ્હી હાઈકોર્ટે દ્વારા આગોતરા જામીન રદ કરવાના આદેશની આલોચના કરી. એમણે કહ્યું આદેશ ખોટી રજૂઆતો અને ખોટા અર્થઘટનને લઈ કરવામાં આવ્યો હતો. સિંઘવીએ પોતાની દલીલોના સમર્થનમાં કેટલાક ચુકાદાઓ પણ ટાંકયા હતા. આ ચુકાદાઓમાં અનુચ્છેદ ર૦ અને ર૧મા અપાયેલ અધિકારોનો ઉલ્લેખ હતો. જે અધિકારો કોઈ પણ સમયે ભંગ કરી શકાતા નથી. કટોકટીના સમયમાં પણ આ અધિકારોનું રક્ષણ થવું જોઈએ. પણ પી.ચિદમ્બરમના આ અધિકારોનું રક્ષણ કરવામાં આવ્યું નથી. સુપ્રીમ કોર્ટની બેંચના જજો ભાનુમતી અને જજ રામન્ના કેસની સુનાવણી કરી રહ્યા હતા.

‘પુરાવાનો એક નાનો સરખો ભાગ તો રજૂ કરી બતાવો’

(એજન્સી) નવી દિલ્હી,તા.ર૭
તપાસ એજન્સીઓ પૂર્વમંત્રી પી.ચિદમ્બરમની કસ્ટડી મેળવી પૂછપરછ કરી રહી છે એવામાં ચિદમ્બરમના કુટુંબીજનોએ મીડિયા ઉપર આક્ષેપો મુકયા કે એ સરકારના ઈશારે ચિદમ્બરમ સામે ખોટા, બનાવટી આક્ષેપો મુકી રહી છે. ચિદમ્બરમની કુટુંબીજનોએ કહ્યું કે અમે સમજીએ છીએ કે સરકારનો ઉદ્દેશ્ય એમની છબી બગાડી એમને અપમાનિત કરવાનો છે પણ અમે મીડિયાના કૃત્યથી દુઃખી છીએ જે એમની સ્વતંત્રતાનું રક્ષણ કરી શકતી નથી. સ્વતંત્રતા અને કાયદાનો મૂળભૂત સિદ્ધાંત છે કે જયાં સુધી આરોપીનો ગુનો પુરવાર નહીં થાય ત્યાં સુધી એને નિર્દોષ માની ચાલવું પણ સરકાર અને મીડિયા આ પાયાનો સિધ્ધાંત જ ભૂલી ગઈ છે. ચિદમ્બરમના પુત્ર કાર્તિએ ટવીટર ઉપર લખ્યું છે કે મારા પિતાએ ઈમાનદારીથી પ૦ વર્ષો સુધી દેશની અને લોકોની સેવા કરી છે. જેનાથી બધા માહિતગાર છે. અમે સરકારને પડકાર આપીએ છીએ કે મારા પિતા સામે પુરાવાઓનો માત્ર નાનો સરખો ભાગ જ રજૂ કરી બતાવો જેનાથી પુરવાર થાય કે મારા પિતાનો બેનામી ખાતુ છે, બેનામી મિલકત દુનિયાના કોઈ પણ ખુણામાં છે. અમારૂં નાનું કુટુંબ છે અને અમારી પાસે પુરતી સંપતિ છે અમે બધા આવકવેરાના પત્રકો નિયમિત ભરીએ છીએ. અમને પૈસાની કોઈ લાલચ નથી. અમે ગેરકાયદેસર રીતે નાણાં કેમ ભેગા કરીશું. અમારા ઉપર મુકાયેલ બધા આક્ષેપો ખોટા છે. આ બધી ભૂતિયા વાર્તાઓ છે જે ભૂતો એક દિવસે દટાઈ જશે.