(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.રપ
અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણેક માસથી ચોરીઓ કરતી ચિખલીકર ગેંગ સભ્યને રૂા.૧,૯૪,૮૬૦/-ના સોના-ચાંદીના ઘરેણાં સાથે અમરેલી પોલીસે પકડી પાડ્યો છે.
તાજેતરમાં અમરેલી શહેરના જેસીંગપરા, સુખનાથપરા, સંકુલ રોડ, મણિનગર તેમજ સાવરકુંડલા ટાઉનમાં બંધ મકાનોના તાળા એક સરખી પદ્ધતિથી તોડી ઘરફોડ ચોરીઓ થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. શહેરના અમુક વિસ્તારમાંથી લોકોએ સ્વયંભૂ રીતે ગ્રુપ બનાવી ચોરીના બનાવો અટકાવવા ઉજાગરા શરૂ કરેલ હતા. આ પ્રકારના બનાવો ઉપર અંકુશ લાવવા તથા આરોપીઓને ઝડપી લેવા અમરેલી ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી બી.એમ. દેસાઈ દ્વારા એકશન પ્લાન બનાવવામાં આવેલ.
જે અંતર્ગત ઘરફોડ ચોરીઓ બનતી હોય તેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાનગી પોલીસ દ્વારા પેટ્રોલિંગ રાખવામાં આવેલ અને આવા વિસ્તારોમાંથી અવર-જવર કરતાં શંકાસ્પદ ઈસમો ઉપર વોચ રાખવી, સીસીટીવી કેમેરાના વીડિયો ફુટેજનો અભ્યાસ કરવા અમરેલી એસ.ઓ.જી તથા એલ.સી.બી. ટીમને માર્ગદર્શન પુરૂં પાડવામાં આવેલ હતું.
દરમ્યાન ગઈકાલે અમરેલી ઈન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી બી.એમ.દેસાઈની સૂચના અને અમરેલી એલ.સી.બી. પો.ઈન્સ. શ્રી સી.જે. ગોસ્વામીના માર્ગદર્શન નીચે અમરેલી એસ.ઓ.જી. પો.સબ ઈન્સ. શ્રી આર.કે. કરમટા, એસ.ઓ.જી. તથા એલ.સી.બી. ટીમના માણસો જીવાપરા વિસ્તારમાં સોમનાથ મંદિર પાસે શંકાસ્પદ વાહનો ચેક કરવાની કામગીરી કરતાં ત્યારે કુંકાવાવ તરફથી એક બુલેટ મોટરસાઈકલ સવારને રોકી ચેક કરતાં તે શંકાસ્પદ જણાતાં અને તેની પાસેથી સોના-ચાંદીના દાગીનાઓ મળી આવતા હતા. આ અંગે ગલ્લાં-તલ્લાં કરવા લાગેલ અને તેનું નામ સતનામસીંગ ઉર્ફે સતુ મહેન્દ્રનસીંગ ટાંક (ઉ.વ.૩૯) (ધંધો- ભૂંડ પકડવાનો, રહે. બાબરા) હોવાનું જાણવા મળેલ. તેની પાસેથી મળી આવેલ ઘરેણાંઓ અમરેલી શહેર, અમરેલી તાલુકા તથા સાવરકુંડલા વિ.વિસ્તારમાં પોતે પોતાના સાગરીતો સાથે મળીને ઘરફોડ ચોરીઓ કરેલ તે પૈકીના તથા આ ચોરીઓમાં પોતાના ભાગે આવેલ મુદ્દામાલ/રોકડ રકમમાંથી બનાવડાવેલ ઘરેણાઓ હોવાની કબુલાત આપેલ. તેની પૂછપરછ દરમ્યાન તેણે અમરેલીની ૭ જેટલી ચોરીઓ કરેલ હોવાની કબુલાત આપેલ છે. આ અંગે સભ્યો સરદારજી હોય તેઓ પોતાની ઓળખ અને પોતાના લાંબા વાળ છુપાવવા માથા ઉપર પાઘડીને બદલે દસ્તી (રૂમાલ)બાંધી વાળ છુટા રાખી ટોપી પહેરી લેતા હતા.
આ ગેંગના સભ્યોમાં પકડાયેલ સતનામસીંગ મહેન્દ્રસીંટ ટાંક ઉપરાંત તેનો પુત્ર સતપાલસીંગ ઉર્ફે રોબીન સતનામસીંગ ટાંક તથા સતપાલસીંગના સસરા શેરસીંગ રણજીતસીંગ ઉર્ફે ગીડ્ડાસીંગ રાઠોડ અને તેનો ભાઈ મનજીતસીંગ રણજીતસીંગ ઉર્ફે ગીડ્ડાસીંગ ટાંક (રહે.વડોદરા, એકતાનગર) તથા વિક્રમસીંગ સરનસીંગ રાવત, (રહે. રાજસ્થાન) છે જે પૈકીનો શેરસીંગ તથા મનજીતસીંગ અગાઉ અમદાવાદ, ગોંડલ વિસ્તારમાં ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે.