કોડિનાર, તા.ર૯
સમગ્ર ગુજરાતમાં બાળકો ઉઠાવી જતી ગેંગની અફવાઓ ફેલાઈ રહી છે ત્યારે કોડિનાર શહેર તાલુકાભરમાં પણ બાળકો ઉપાડી જવાની અફવાઓ ફેલાતા બાળકોના વાલીઓમાં ભારે ચિંતા જન્મી છે. કોડિનારથી પ કિ.મી. દૂર આવેલ મૂળદ્વારકા બંદરે તો બાળકો ઉપાડી જવાના અહેવાલોએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ છેલ્લા પાંચ દિવસથી વાલીઓ, બાળકોને નિશાળે મોકલતા ન હોય આખરે કંટાળીને મૂળ દ્વારકા પ્રાથમિક શાળાનાં આચાર્યએ કોડિનાર પોલીસને પત્ર પાઠવી વાલીઓનો ડર દૂર કરવા માંગ કરી હતી. મૂળદ્વારાકા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલે કોડિનાર પોલીસ સ્ટેશનમાં પત્ર પાઠવી જણાવ્યું હતું કે મૂળ દ્વારકા પ્રાથમિક શાળામાં ૮૩૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે બાળકો ઉપાડી જવાની અફવાઓના કારણે ફક્ત ર૦૦ જેટલા જ વિદ્યાર્થીઓ ભણવા આવે છે. જેના કારણે બાળકોનું હાજરીનું પ્રમાણ ઘટતું જાય છે અને બાળકોનો અભ્યાસ બગડી રહ્યો હોય ગામમાં આ પ્રકારનો ભય દિનપ્રતિદિન વધતો જાય છે ત્યારે આનુ નિરાકરણ લાવી લોકોનો ભય દૂર કરવા માગણી કરતા પી.આઈ. ચાવડાના માર્ગદર્શન હેઠળ મૂળદ્વારકા બીટના જમાદાર હિંમતભાઈ પરમાર-રાઈટર ભરતભાઈએ ગામમાં વાલીઆ સાથે મીટિંગ કરી લોકોનો ભય દૂર કરવા અને સુરક્ષાની ખાત્રી આપી હૈયાધારણ આપતા અંતે ભારે જહેમત બાદ આજથી પોલીસ અને હોમગાર્ડ જવાનોની સુરક્ષા વચ્ચે શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ થતાં શિક્ષકોએ હાશકારો અનુભવ્યો છે.