(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૯
રાજ્યમાં નાના બાળકોના સર્વાંગી વિકાસ અને તેઓમાં શિક્ષણનો વ્યાપ વધે તેવા હેતુસર રાજય સરકાર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું નિર્માણ કરવા જઈ રહી છે. હાલમાં સેકટર-ર૦મા કાર્યરત આ યુનિવર્સિટીના નિર્માણ માટે રાજય સરકારે આજે ગાંધીનગરની નજીકમાં ૩૦ એકર જમીન વિનામૂલ્યે ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ યુનિ.માં બાળકોથી લઈને વાલી તથા સગર્ભા માતાઓને પણ પ્ર.શિક્ષણ આપવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુદ્દે જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાના શાહપુર ખાતે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી માટે ૩૦ એકર જમીન વિનામૂલ્યે ફાળવવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.
રાજયમંત્રી મંડળની બેઠકમાં લેવાયેલ આ નિર્ણયની વિગતો આપતા ના. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, હાલમાં સુભાષચંદ્ર બોઝ શિક્ષણ સંકુલ, સેકટર-ર૦, ગાંધીનગર ખાતે કાર્યરત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના નવીન ભવન માટે રાજય સરકાર સમક્ષ જમીનની માગણી કરાઈ હતી. જેને ધ્યાને રાખીને આ જમીન ફાળવાઈ છે. આ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં બાળ શિક્ષણ, વાલી પ્ર.શિક્ષણ સગર્ભા માતાઓનું પ્ર.શિક્ષણ કરાશે જેનાથી તેજસ્વી બાળકો જન્મે તથા બાળકોના સર્વાંગી વિકાસલક્ષી અનેક આનુષાંગિક સુવિધાઓનું નિર્માણ કરાશે.