(એજન્સી) બેઈજિંગ, તા.૩
ચીને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે મોટી સફળતા મેળવતા ચંદ્રના અંધારા ભાગ પર વિશ્વનું પ્રથમ અંતરિક્ષયાન ઉતાર્યું છે. ચીનનું ‘સ્પેસક્રાફ્ટ ચાંગ ઈ-૪’ ૩ જાન્યુઆરીની સવારે ચંદ્રની અંધારી સપાટીએ ઉતર્યું હતું. આ અવકાશયાન ૮ ડિસેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. ચીને ર૦૧૩માં ચંદ્રના અન્ય ભાગ પર ‘ચાંગ ઈ-૩’નું ઉતરાણ કર્યું હતું. ચીનની રાષ્ટ્રીય અવકાશ સંસ્થાએ જાહેરાત કરી હતી કે, પૃથ્વીથી ક્યારેય ન જોઈ શકાતા ભાગમાં તેમણે ચંદ્રયાનનું સફળતાપૂર્વક ઉતરાણ કર્યું છે. ચીનની સ્પેસ એજન્સીમાં કાર્યરત પ્રોફેસર જૂ મેનગુઆએ કહ્યું કે, આ અવકાશ મિશન સૂચિત કરે છે કે, અંતરિક્ષની શોધમાં ચીન કેટલું આગળ નીકળ્યું છે. ચીનના લોકોએ એવું કામ કર્યું છે, જે અમેરિકાએ વિચાર્યું પણ નહીં હોય ચીન હવે પોતાના ત્રીજા સ્પેસ સ્ટેશનને ર૦રર સુધી સંચાલન કરવાની યોજના બનાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ચીનના જીચાંગ શહેરમાંથી ૮ ડિસેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવેલ આ યાન સાથે એક રોવર પણ છે, જે લો ફિકવન્સી રેડિયો એસ્ટ્રોનોમિકલ ઓબ્સર્વેશનની મદદથી ચંદ્રના આ ભાગ અંગે જાણકારી મેળવશે. ચીને અંતરિક્ષ ક્ષેત્રે સંશોધન માટે ચીન એકેડમી ઓફ સ્પેસ ટેકનોલોજીની સ્થાપના ૧૯૬૮માં કરી હતી. હાલ જેમાં ર૭ હજારથી વધુ કર્મચારીઓ છે.