(એજન્સી)
બેઈજિંગ, તા.૧૮
ચીનના એક શહેરમાં ક્રિસમસ સાથે જોડાયેલી શણગાર કરવાની વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, ચીનના ઉત્તરીય ભાગમાં આવેલા એક લાંગફાંગ શહેરમાં આ પ્રતિબંધ એટલા માટે મૂકવામાં આવ્યો છે કે જેથી આગામી એવોર્ડ સમારંભ માટે શહેરને સ્વચ્છ રાખી શકાય.
જો કે આ શહેરના સત્તાધિકારીઓએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ પગલાંને ક્રિસમસને નિશાન બનાવીને ભરવામાં આવ્યું નથી. ચીનમાં ખ્રિસ્તીઓની ઘણી સંખ્યા છે.
સત્તાવાર રીતે નાસ્તિક દેશ ચીને પોતાના લોકોને ક્રિસમસના તહેવારની ઉજવણી ન કરવાની સલાહ આપી છે અને તેને પાશ્ચત્ય સંસ્કૃતિનું નામ આપ્યું છે. જેનો તેના યુવાનો પર ખોટો પ્રભાવ પડ્યો છે. ખ્રિસ્તી ધર્મ ચીનમાં માન્યતા મેળવેલ પાંચ ધર્મોમાં સામેલ છે. અહેવાલ મુજબ ઉત્તરીય ચીનના હેબેઈ પ્રાંતમાં આવેલા લાંગફાંગના અર્બન મેનેજમેન્ટ બ્યુરોમાં રવિવારે. નોટિસ જારી કરી, જેના હેઠળ રસ્તાઓ પર ક્રિસમસ ટ્રી વેચવાની મનાઈ છે. સ્ટોરમાં ક્રિસમસના વેચાણ અંગે પોસ્ટર, બેનર અને લાઈટ બોક્સ લગાવવાની પણ પરવાનગી આપવામાં આવી નથી. આટલું જ નહીં, શહેરમાં રજાની ઉજવણી કરવા અથવા વેચાણ વધારવા માટે બાહ્ય પ્રદર્શન પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અહેવાલ મુજબ શહેરમાં ફેરિયાવાળાઓને ક્રિસમસને સંબંધિત સામાન જેવા કે સફરજન, સાંતા કોસ્ચ્યુમ અને સ્ટોકિંગ્સ અથવા ક્રિસમસ ટ્રી વેચવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ બ્યુરોકર્મીઓને ર૩ ડિસેમ્બરથી ક્રિસમસના દિવસ સુધી ફરજ બજાવીને ક્રિસમસ થીમને પ્રોત્સાહન આપવાની દેખરેખ કરવાનું કહેવામાં આવ્યું છે.