(એજન્સી) ડોકલામ, તા.૬
ચીન સાથે ડોકલામ વિવાદ પૂરો થયાના મહિનાની અંદર જ ફરીથી ચીને સિક્કિમ નજીક ડોકલામ ખાતે ચીની સેનાને ખડકી દીધી છે. ચીને ડોકલામ નજીક ફરીથી ૧૦થી૧ર કિ.મી.ના અંતરે રસ્તાના નિર્માણનું કામ હાથ ધર્યું છે. ૭૩ દિવસ ડોકલામ ખાતે બંને સેનાઓ સામસામે આવ્યા બાદ ડોકલામ વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ આવ્યો હતો.
ભારતીય સેનાએ કહ્યું કે ચીની સેના દ્વારા ચુંબીવેલી ખાતે માર્ગ નિર્માણનું કામ ચાલી રહ્યું છે. જે વિસ્તાર ચીન હસ્તકનો છે. આ કામથી ભારતને કોઈ વ્યૂહાત્મક અસર થતી નથી. નિર્માણ નજીક પ૦૦ સૈનિકોની ઉપસ્થિતિ છે. ચીને ભારત પર આરોપ મૂક્યો હતો કે તે ડોકલામ નજીક માર્ગ નિર્માણમાં અવરોધ ઊભા કરે છે. જે વિસ્તાર ભૂતાન-ચીન બંને દાવો કરી રહ્યા છે. તે સમયે ચીને તેના દળો પાછા ખેંચી લીધા હતા. સૂત્રોએ કહ્યું કે વિવાદિત સ્થળેથી ૧૦થી ૧ર કિ.મી. નજીક કાચા રોડના નિર્માણ કામમાં ચીની સેના લાગી ગઈ છે. ચીનમાં બ્રિક્સ દેશોની બેઠકમાં વડાપ્રધાન મોદીએ ભાગ લીધો હતો ત્યારે ડોકલામ વિવાદ પર ચીની સત્તાવાળાઓ સાથે સમાધાન થયું હતું અને બંને દેશોની સેનાઓ ડોકલામથી ખસી ગઈ હતી. ચીન દ્વારા ભૂતાન સરહદે ડોકલામ ખાતે માર્ગ નિર્માણ કાર્યમાં ચીની સેના વ્યસ્ત છે.