(એજન્સી) તા.ર૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના વડા શી જિનપીંગ સાથે વુહાનમાં શિખર મંત્રણા કરી હતી. આ બન્નેએ સાથે મળીને અનેક દ્વિપક્ષીય તેમજ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વાતચીત કરી. આ રહ્યા વુહાન શિખર મંત્રણાના મુખ્ય ૧૦ મુદ્દા.
૧. ચીનમાં શી જિનપીંગ સાથે અનૌપચારિક મંત્રણા કરી મોદી ભારત પરત આવવા નીકળ્યા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના પ્રમુખ શી જિનપીંગ સાથે બે દિવસીય અનૌપચારિક શિખર મંત્રણા પૂરી કરીને શનિવારે ભારત પરત આવવા નીકળ્યા હતા તે ગુરૂવારે આ અનૌપચારિક શિખર પરિષદ માટે ચીન આવ્યા હતા.
ર. મોદી અને જિનપીંગે ફિલ્મોમાં સહયોગની યોજના બનાવી : ભારતના વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી દ્વારા જે પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા તેમાં ફિલ્મો સહિત મનોરંજન ક્ષેત્રમાં સહયોગની વાત હતી. જિનપીંગે કહ્યું હતું કે, તેમણે ઘણી ભારતીય ફિલ્મો જોઈ છે અને આ એક સરસ વિચાર છે કે આ ક્ષેત્રને વિસ્તારવામાં આવે.
૩. મોદી અને જિનપીંગે આતંકવાદ, વ્યાપાર અને સરહદ વિવાદ વિશે ચર્ચા કરી : વિદેશ મંત્રાલયે મીડિયાને જાણકારી આપી હતી કે, આ શિખર મંત્રણા દરમિયાન કોઈ સમજૂતી અથવા ઘોષણા કરવામાં આવી નથી. આ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો, વ્યુહાત્મક અને લાંબા ગાળાની ભાગીદારી વિશે ચર્ચા કરવામાં આવી હતી.
૪. ચાઈનીઝ સોશિયલ મીડિયા વિબો પર મોદીનો ફોલોઅર્સ માટે સંદેશ : ચાઈનીઝ સોશિયલ મીડિયા વિબો પર મોદીના ૧,૮૩,૧૧ર ફોલોઅર્સ છે. શનિવારે એક વિબો પોસ્ટમાં મોદીએ લખ્યું હતું કે, વુહાનમાં પ્રમુખ શી જિનપીંગ સાથે મુલાકાત કરી મને ઘણો આનંદ થયો. અમે ફળદાયી મંત્રણા કરી હતી અને ભારત-ચીનના સંબંધો મજબૂત કરવા વિશે તેમજ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર અભિપ્રાયોની આપ-લે કરી હતી.
પ. જૂનમાં મોદી ફરી ચીનની મુલાકાતે જશે : નરેન્દ્ર મોદી ર૦૧૪માં વડાપ્રધાન બન્યા ત્યારબાદ આ તેમની ચીનની ચોથી યાત્રા હતી. શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશનની ૯-૧૦ જૂન દરમિયાન આયોજિત શિખર મંત્રણામાં ભાગ લેવા માટે તે ફરીથી ચીન જશે.
૬. રાહુલ ગાંધીએ મોદીને ચીન સમક્ષ ડોકલામ અને ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના મુદ્દા ઉઠાવવા કહ્યું હતું : રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દેશના લોકો તમને આ મુદ્દાઓ પર વાતચીત કરતાં જોવા માંગે છે તમે ગભરાયેલા લાગો છે.
૭. ચાઈનીઝ મીડિયાએ કહ્યું ભારત-ચીન વચ્ચે મજબૂત આર્થિક સંબંધો વિકસી રહ્યા છે : ચીનની સત્તાવાર ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર ૮૪.૪ બિલિયન ડોલરની રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયો હતો.
૮. મોદીએ જિનપીંગને ર૦૧૯માં ભારત આવવા આમંત્રણ આપ્યું : મોદીએ કહ્યું હતું કે તમારા આમંત્રણ અને સત્કાર બદલ હું આભારી છું. કદાચ આ પ્રથમ વખત હશે કે તમે એક ભારતીય વડાપ્રધાન સામે બે વખત બેઈજીંગની બહાર મુલાકાત કરી વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ જિનપીંગને આવી જ અનૌપચારિક મંત્રણા માટે ર૦૧૯માં ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.
૯. પીએલએએ કહ્યું હતું કે તે મોદી-જિનપીંગ વચ્ચેની સધાયેલી સર્વસંમતિનો ઉપયોગ ભારતીય સેના સાથે સંબંધો સુધારવા માટે કરશે : ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ ગુરૂવારે ભારત-ચીન સંબંધો અને વુહાન શિખર મંત્રણાની હકારાત્મક નોંધ લીધી હતી. બેઈજીંગમાં મીડિયાને સંબોધતા પીએલએના વરિષ્ઠ કર્નલ વુકિયાને કહ્યું હતું કે, બન્ને વચ્ચે સમસ્યા હોવા છતાં બન્ને સેનાઓ તેમને નેતાઓ દ્વારા નક્કી કરાયેલા માર્ગદર્શિકાને આધારે તેમના સંબંધો સુધારી શકે છે.
૧૦. મોદી-જિનપીંગ દાયકાઓ જૂના અવિશ્વાસ અને મતભેદોને દૂર કરવા ઈચ્છે છે : અધિકારીઓએ સમાચાર એજન્સીઓને જણાવ્યું કે, મોદી-જિનપીંગ વચ્ચે થયેલી મંત્રણાનો ઉદ્દેશ્ય બન્ને એશિયન મહારથીઓ વચ્ચે રહેલા દાયકાઓ જૂના અવિશ્વાસનો અંત લાવવાનો હતો.