(એજન્સી) બેઈજિંગ, તા.ર૧
ચીનની સમાચાર એજન્સી શિન્હુઆએ ડોકલામ વિવાદ પર એક નવો વીડિયો જારી કર્યો છે. આ પહેલા ડોકલામ પર જારી કરવામાં આવેલા એક પ્રચાર વીડિયોમાં એક ચીની એન્કરે ડોકલામ વિવાદને લઈને ભારતની મજાક ઉડાવી હતી. જો કે, આ વીડિયોમાં શિન્હુઆએ ભારતને શાંતુ જાળવી રાખવાની વાત કહી છે. વીડિયોમાં ભારત અને ચીનની ઐતિહાસિક સંસ્કૃતિઓ અને સંબંધોનો પણ હવાલો આપવામાં આવ્યો છે.
આ નવા વીડિયોમાં ચીની એન્કર કહી રહ્યો છે કે, “પાછલા બે મહિના કરતાં પણ વધુ સમયથી ડોકલામને લઈને ભારત અને ચીનની વચ્ચે તણાવમાં વધારો થયો છે.” આ વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, ૧૮ જૂનના રોજ ભારતીય સેના ૨ બુલડોઝર અને હથિયારો સહિત સિક્કિમ સેક્ટરને પાર કરીને ચીની વિસ્તારમાં દાખલ થઈ ગઈ. ત્યારબાદ ભારતે ચીનને રોજ બનાવવા માટે રોક્યું. જેનાથી બંને દેશો વચ્ચે અવરોધ પેદા થયો.
વીડિયોમાં આગળ કહેવામાં આવ્યું છે કે, “આ સરહદ વિવાદ ભારત તરફથી વ્યૂહરચનાત્મક વિશ્વાસમાં ઘટાડો થયો હોવાનું દર્શાવે છે. આ પગલાંથી વ્યૂહાત્મક દૃષ્ટિકોણમાં ઝાંખ આવી શકે છે, જેનાથી ભારતના હિતોને નુકસાન થઈ શકે છે. આ વીડિયોમાં ભારત અને ચીનની જૂની સભ્યતાઓ હોવાનો હવાલો આપતા કહેવામાં આવ્યું કે, ચીન અને ભારત બંને દુનિયાની બે સૌથી જૂની સભ્યતાઓ છે. આ બંને દેશોની સંસ્કૃતિઓ શાનદાર છે. આ બંને દેશો એકબીજાના હરીફ થવા માટે જન્મ્યા નથી. આ બંને દેશો વચ્ચે પ્રાચીન કાળથી સંબંધ રહ્યો છે.”
ચીની મીડિયા દ્વારા જારી કરવામાં આવેલા આ વીડિયોમાં કહેવામાં આવ્યુંં છે કે, “એટલા માટે ભારતે તરત જ પોતાની સેનાઓને કોઈ પણ શરત વગર ચીની સરહદ પરથી પાછી બોલાવી લેવી જોઈએ અને ભવિષ્યમાં થનારા કોઈ પણ ખોટા નિર્ણય પ્રત્યે સાવચેત રહેવું જોઈએ. બંને દેશો હળીમળીને રહેશે તો તેના ૨૭૦ કરોડ નાગરિકોને જ ફાયદો થશે. આ બંને દેશોની વચ્ચે દુશ્મનાવટ ભરેલી હરિફાઈ જોખમકારક નીવડી શકે છે. બંને દેશો વચ્ચે એકબીજા પ્રત્યે વિશ્વાસ પેદા કરવો પડશે, કારણ કે એશિયામાં ચીનના ડ્રેગન અને ભારતના હાથીને સાથે-સાથે રહેવા માટે ખૂબ જ જગ્યા છે.”