(એજન્સી) બેઈજીંગ, તા.૧૮
કાયરાત સમરકંદે જણાવ્યું હતું કે, તેનો એકમાત્ર ગુનો છે કે તે મુસ્લિમ છે અને તેણે પાડોશી દેશ કઝાકિસ્તાનની મુલાકાત લીધી હતી. પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા ત્રણ દિવસ સુધી તેમની આકરી પૂછપરછ કરવામાં આવી હતી જે દરમિયાન તેમની પર યાતનાઓ ગુજારવામાં આવી હતી ત્યારબાદ નવેમ્બરમાં તેમને રિએજ્યુકેશન કેમ્પમાં મોકલવામાં આવ્યા હતા જે ચીનના પશ્ચિમ પ્રાંત ક્ષિનજિઆંગમાં સ્થિત છે જ્યાં તેમને ત્રણ માસ સુધી રાખવામાં આવ્યા હતા. એક મુલાકાતમાં સમરકંદે જણાવ્યું હતું કે, આ કેમ્પમાં તેમની પર અસાધારણ યાતનાઓ ગુજારવામાં આવી હતી અને બ્રેઈનવોશ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બળપૂર્વક કોમ્યુનિસ્ટ એજન્ડા શીખાવવામાં આવે છે. દિવસમાં અનેક કલાકો સુધી કોમ્યુનિસ્ટ પાઠ ભણાવવામાં આવે છે સાથે ચીનના રાષ્ટ્રપતિનો આભાર અને શુભેચ્છા વ્યક્ત કરતાં સૂત્રો પોકારવા દબાણ કરાય છે. સમરકંદે જણાવ્યું હતું કે, જે લોકો આ બધુ કરવાનો ઈન્કાર કરે છે તેમને માર મારવામાં આવે છે અને હાથ તથા પગ બાંધી ૧ર કલાક સુધી કોમ્યુનિસ્ટ શિક્ષણ આપવામાં આવે છે. જો તેમ છતાં આજ્ઞા ભંગ કરવામાં આવે તો લાંબા સમય સુધી સાંકડી જગ્યામાં મેટલની ચેઈનથી બાંધી રાખવામાં આવે છે. આ તમામ સજાઓમાંથી હું પસાર થઈ ચૂકયો છું. જર્મનીના કોરન્ટલમાં એડરિયન ઝેન્ઝ ઓફ ધ યુરોપિયન સ્કૂલ ઓફ કલ્ચર એન્ડ ટેકનોલોજીના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, ચીનના રિએજ્યુકેશન કેમ્પમાં એક મિલિયનથી વધુ મુસ્લિમોને ગોંધી રાખવામાં આવ્યા છે જેમાં યુવાનોની સંખ્યા વધુ છે. ક્ષિનજીઆંગ પ્રાંતમાં ર૧ મિલિયન લોકો પૈકી ૧૧ મિલિયન મુસ્લિમોનો સમાવેશ થાય છે. આ કેમ્પોમાં બંદી બનાવાયેલા મુસ્લિમોની હાલત ખૂબ કફોડી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આ પ્રાંતમાં ત્રાસવાદ સામેની લડત ધર્મ સામેની લડતમાં પરિવર્તિત થઈ ગઈ છે. વંશીય ભાષા અને ઓળખને મીટાવવા માટે પણ પ્રયાસો થઈ રહ્યા છે. ચીનના હ્યુમન રાઈટ્‌સ વોચના સંશોધક માયા વેન્ગે જણાવ્યું હતું કે, ક્ષિનજીઆંગ પ્રાંતમાં તમામ મુસ્લિમ કુટુંબો સરકારના રડાર પર છે. તેમની પર વોચ રાખવામાં આવે છે અને તેમની દરેક હિલચાલ પર નજર રખાય છે. ક્ષિનજીઆંગની દરરોજની હિલચાલ પર નજર રાખવામાં આવે છે. પ્રાંતમાં ચીન દ્વારા સ્થપાયેલા રિએજ્યુકેશન કેમ્પ અંગે સમગ્ર વિશ્વએ ઘેરી ચિંતાની લાગણી વ્યક્ત કરી છે. સમરકંદે જણાવ્યું હતું કે, એક કેમ્પમાં પ૭૦૦ લોકોને બંદી બનાવી રખાય છે. કરમગયા ગામમાં એક કેમ્પમાં પ૭૦૦ લોકોને ગોંધી રખાય છે. કેટલાક બંદીઓ હતાશ થઈ આપઘાતનો વિકલ્પ અપનાવે છે.