બેઇજિંગ, તા. ૧૯
ચીનના પ્રમુખ શી જિનપિંગે દેશના ભવિષ્યને લગતા કાર્યક્રમો અંગે ત્રણ કલાકની બેઠકમાં રોડ-મેપનું અનાવરણ કર્યું હતું. વર્ષ ૨૦૫૦ સુધી ચીનની સિદ્ધિઓનું વર્ણન દર્શાવી તેમણે આગામી ચાર વર્ષના કાર્યક્રમોની જાહેરાત કરી હતી. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાની ૧૯મી બેઠકનું ઉદ્‌ઘાટન કરતા તેમણે છેલ્લા પાંચ વર્ષના કામના રિપોર્ટને રજૂ કર્યો હતો. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ચીન નવી ઐતિહાસિક સિદ્ધિને સર કરવા જઇ રહ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ જિયાંગ જેમિંગ અને હુ જિંતાઓની હાજરીમાં જિંનપિંગે ચીનના વિકાસના માર્ગને દર્શાવ્યો હતો. તેમણે આ દરમિયાન એ દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો કે, ચીનની પદ્ધતિઓ અન્ય દેશો પણ અપનાવી શકે છે. પોતાના ભાષણમાં જિનપિંગે જણાવ્યું હતું કે, અન્ય દેશો ચીના વિકાસ મોડેલને અપનાવી શકે છે. ચીનનો વિકાસ અન્ય દેશો માટે નવો વિકલ્પ બની રહેશે અને જ્યારે પોતાની સ્વતંત્રતા જાળવી રાખવાની સાથે અન્ય દેશો વિકાસની ઝડપને વધારી શકે છે.