(એજન્સી) ઈસ્લામાબાદ, તા.૧૬
સીપીઈસી કોરીડોરમાં પાકિસ્તાને પીઓકેમાં બંધ બાંધવાની યોજના બનાવી હતી જે યોજનાને ચીનની કડક શરતોના કારણે પડતી મૂકવા પાકિસ્તાને નિર્ણય કર્યું છે. આ યોજના ૧૪ બિલિયન ડોલરના ખર્ચે બનવાની હતી જેનું નામ દિયામર ભાષા ડેમ છે. આ યોજના માટે નાણાં મેળવવા માટે પાકિસ્તાને ઘણા બધા પ્રયાસો કર્યા હતા. પણ વર્લ્ડ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક બન્નેએ આ પ્રોજેક્ટ માટે નાણાં આપવા ઈન્કાર કર્યો હતો. એમણે જણાવ્યું કે, આ બંધ વિવાદિત વિસ્તાર પીઓકેમાં બનાવાઈ રહ્યું છે જેનો ભારતે વિરોધ નોંધાવ્યો છે. જેથી આના માટે અમે નાણાં આપી શકીશું નહીં. ચીને બંધ બનાવવા માટે પૈસા આપવા તૈયારી બતાવી હતી પણ એમની શરતો હતી કે બંધની માલિકી ચીનની રહેશે અને જાળવણી પણ ચીન જ કરશે જેના માટે પાકિસ્તાને બીજો ચાલુ બંધ ગીરવે મૂકવું પડશે. આ પ્રકારની આકરી શરતોના કારણે પાકિસ્તાને બંધ બાંધવાની યોજના જ પડતી મૂકી છે. પાકિસ્તાને જણાવ્યું કે, આ પ્રકારની શરતો સ્વીકારી શકાય નહીં જેથી અમે પોતાના નાણાં સ્ત્રોતોથી બંધ બાંધીશું. રસપૂર્ણ બાબત એ છે કે, પાકિસ્તાને છેલ્લા ૧પ વર્ષમાં આ બંધ બાંધવાના પાંચ વખત પ્રયાસો કર્યા છે પણ સફળ થયું નથી.