(એજન્સી) બેઈજિંગ, તા. ૮
ચીને જણાવ્યું છે કે, ભારતીય ડ્રોન ચીનની સરહદમાં તૂટી પડ્યું તે પહેલાં તે ચીનની હવાઈ સીમામાં ઘૂસી ગયું હતું અને આ રીતે ભારતે ચીનની હવાઈ સીમાનું ઉલ્લંઘન કર્યું છે. જ્યારે નવી દિલ્હીએ એવી સ્પષ્ટતા કરી છે કે, આ ઘટના ટેકનિકલ ખામીને કારણે સર્જાઈ હતી. રૂટીન ટ્રેનિંગ મશીન પર જઈ રહેલ ડ્રોન (યુએવી)માં ટેકનિકલ ક્ષતિ ઊભી થતાં આ ઘટના ઘટી હતી. ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, તેણે ભારત સમક્ષ આ અંગે ગંભીર રજૂઆત કરી છે. જ્યારે સંરક્ષણ મંત્રાલયે આ ઘટના પર સખત નારાજગી અને વિરોધ વ્યક્ત કર્યો છે. ભારતીય સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે, તૂટી પડનાર આ યુએવી ઈઝરાયેલ બનાવટનું હેરોન અને મધ્યમ ઊંચાઈ સમતા ધરાવતું ડ્રોન હતું જેનો ઉપયોગ ચીન અને પાકિસ્તાન સાથેના મોરચા પર સર્વેક્ષણ અને ગુપ્તચર માહિતી માટે થતો હતો. પ્રથમ વખત આવી ઘટના બની છે એવું સૂત્રોએ જણાવ્યું હતું. બેઈજિંગના વિદેશ મંત્રાલયના પ્રવકતા ઝેંગ શૂઈલીએ નિયમિત સમાચાર બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં એક ભારતીય યુએવીએ ચીન-ભારત સરહદના સિક્કિમ વિભાગમાં ચીનની હવાઈ સીમાનું ઉલ્લંઘન કર્યું હતું. ચાઈનીઝ સેનાએ આ સ્થિતિ સાથે વ્યાવસાયિક રીતે કામ લીધું હતું તેવું તેમણે ઉમેર્યું હતું. સિક્કિમ સેક્ટરમાં વેસ્ટર્ન કમાંડના જોઈન્ટ સ્ટાફ વિભાગના કોમ્બેટ બ્યૂરોના ઉપપ્રમુખ ઝેંગ શૂઈલીએ જણાવ્યું હતું કે, ભારતના આ પગલાંથી ચીનના પ્રાદેશિક સાર્વભૌમત્વનો ભંગ થયો છે અને અમે તેનો સખત વિરોધ કરીએ છીએ. ભારતે જણાવ્યું હતું કે, અમે આ ઘટનામાં તપાસ કરી રહ્યા છીએ. ચીને યુએવીના સ્થળની વિગતો આપી હતી તેના સંદર્ભમાં ભારત હવે આ ઘટનાના ચોક્કસ કારણ અંગે તપાસ કરી રહ્યું છે.