(એજન્સી) તા.૧૫
ચીને મંગળવારે જણાવ્યું હતું કે તેના નામ સામે કરન્સી મેનિક્યુલેટર ટેગ પડતો મૂકવાની અમેરિકાની હિલચાલ હકીકતો અને આંતરરાષ્ટ્રીય સમુદાયની સર્વસંમતિને સુસંગત છે. અમેરિકાએ ચીનને પોતાની કરન્સી સાથે ચેડાં કરનાર દેશ જાહેર કરવાના પોતાના ફરમાનને પાછું ખેંચી લીધું છે તેનાથી દુનિયાની બંને આર્થિક સત્તાઓ વચ્ચે તણાવ કમ થવાનો સંકેત છે.
અમેરિકાની આ જાહેરાત બાદ ચીનની કરન્સી યુઆનમાં ઉછાળો આવ્યો હતો. ચીન અને અમેરિકા ટ્રેડ વોરનો ઉકેલ લાવવા માટે પ્રથમ તબક્કાના ડીલ પર સહી કરનાર છે કે જેની પૂર્વે અમેરિકાએ આ નિર્ણય જાહેર કર્યો છે. ચીન સાથે ટ્રેડ અંગે વાટાઘાટો કરી રહેલ ડેલિગેશનનું નેતૃત્વ ઉપપ્રમુખ લીવ હે સંભાળી રહ્યાં છે કે જેઓ હાલ ડીલ પર સહી કરવા વોશિંગ્ટનમાં છે.
દરમિયાન બેઇજિંગે અપેક્ષિત ટ્રેડ ડીલ અંગેની વધારાની માહિતી જાહેર કરી નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા જેંગ શુઆંગે મંગળવારે નિયમિત મંત્રાલયના બ્રિફીંગમાં જણાવ્યું હતું કે ચીન અને અમેરિકા વચ્ચે આર્થિક વ્યાપાર અને વાટાઘાટ અને પ્રથમ તબક્કાના આર્થિક અને વ્યાપાર કરાર અંગેના નિર્દિષ્ટ પ્રશ્નો અંગે હું તમને આ અંગે વાણિજ્ય મંત્રાલયનો સંપર્ક કરવા સૂચન કરીશ. વધારામાં હું માત્ર એટલું કહીશ કે તમે શાંત થાવ અને સ્થિતિ થોડા દિવસમાં સ્પષ્ટ થઇ જશે.
દરમિયાન સોમવારે રાત્રે વોશિંગ્ટને અમેરિકન ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના એક રિપોર્ટ રિલીઝ થવાના પગલે ચીન કરન્સી જોડે ચેડાં કરે છે એવું જે લેબલ આપ્યું હતું તે પાછું ખેંચી લીધું છે. પ્રવક્તા જેંગે આ અંગે જણાવ્યું હતું કે ચીન એ દેશના ચલણ અંગેના વિદેશી હૂંડિયામણ દર સાથે ચેડાં કરનાર દેશ નથી. અમેરિકાનો તાજેતરનો નિર્ણય હકીકતો અને આંતરરાષ્ટ્રીય સમુદાયની સર્વસંમતિને સુસંગત છે.