નવીદિલ્હી, તા. ૧૩
સિક્કિમ ડોકલામ મડાગાંઠને લઇને ચીન સાથે સંબંધો તંગ બનેલા છે અને કાશ્મીરની પરિસ્થિતિ વણસી છે ત્યારે આવતીકાલે સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે જેમાં સમગ્ર મામલા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ પરિસ્થિતિ અંગે માહિતી આપશે. ડોકલામ મડાગાંઠના સંદર્ભમાં ચિત્ર રજૂ કરવામાં આવશે. તૃણમુલ કોંગ્રેસથી લઇને ડાબેરીઓ અને કોંગ્રેસી નેતાઓને આ બેઠકમાં હાજરી આપવા માટે કહેવામાં આવ્યુંછે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે ક ભારત અને ચીન વચ્ચે ગયા મહિના બાદથી ભુટાન,ચીન, ભારત ટ્રાઇ જંક્શન નજીક મડાગાંઠની સ્થિતિ સર્જાયેલી છે. ચીની સેના દ્વારા માર્ગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેથી સ્થિતિ વણસી ગઈ છે. ભારતનું કહેવું છે કે, ટ્રાઇ જંક્શન પોઇન્ટ ઉપર ચીન દ્વારા એક પક્ષીયરીતે નિર્માણ કામ કરવામાં આવી રહ્યું છે જે ૨૦૧૨માં ભારત-ચીન સમજૂતિના ભંગ સમાન છે. ભારતનું કહેવું છે કે, ચીન દ્વારા અયોગ્ય વર્તન અપનાવવામાં આવી રહ્યું છે. ૨૦૧૨માં ભારત-ચીન સમજૂતિ તમામ સંબંધિત પક્ષો વાતચીત કરીને તૈયાર કરવામાં આવી હતી. ભારતીય સેના ડોકલામ વિસ્તારમાં તેની સ્થિતિને જાળવી રાખવા માટે મક્કમ છે. ભુટાન ટ્રાઇ જંક્શન ઉપર વિખવાદની સ્થિતિ છે. ભારતીય સૈનિકો વિવાદાસ્પદ વિસ્તારમાં ગોઠવી દેવામાં આવ્યા છે. ટેન્ટ પણ બનાવી દીધા છે. પીછેહઠ કરવા માટે પણ તૈયાર નથી. આવી સ્થિતિમાં આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. મડાગાંઠની સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે આવતીકાલે મળનારી બેઠકમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓની બેઠકમાં પાસા પર ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવશે. સિક્કિમ સેક્શનના ૧૦૦૦૦ ફુટની ઉંચાઇએ સ્થિત વિસ્તારમાં જોરદાર મડાગાંઠની સ્થિતિ પ્રવર્તી રહી છે. ભારત અને ચીને એકબીજા ઉપર આક્ષેપો પણ કર્યા છે.