(એજન્સી) તા.૯
ચીને આશા વ્યક્ત કરતાં કહ્યું હતુંં કે રશિયામાં યોજાનાર શાંઘાઈ સહયોગ સંગઠન(એસસીઓ) દ્વારા ભારત અને પાકિસ્તાનને એકબીજા સાથે સંબંધો સુધારવાની તક મળશે અને બંને દેશો વચ્ચેનો સહયોગ મજબૂત થશે. ચીને આશા વ્યક્ત કરી હતી કે બંને દેશો આ પ્લેટફોર્મની મદદથી એકબીજાના દેશમાં ક્ષેત્રીય શાંતિને પ્રોત્સાહન આપવાનું કામ કરશે. ચીનના વિદેશ મંત્રાલયે એક જાણીતા અખબારને લેખિતમાં જવાબ મોકલાવ્યો હતો જેમાં આશા વ્યક્ત કરી હતી કે બંને દેશો કાશ્મીરના મુદ્દાનો ઉકેલ પણ વાતચીતના માધ્યમથી લાવી દેશે. તેમણે કહ્યું કે એસસીઓ જેવું બીજું પ્લેટફોર્મ આ બંને દેશોને બીજે ક્યાંય નહીં મળે જ્યાં આ બંને દેશો પોતાના સંબંધોમાં સુધારો કરી શકે. નોંધનીય છે કે તાજેતરમાં અનેક મુદ્દાઓ પર ચીન અને ભારત વચ્ચે પણ તંગદિલી વધી હતી અને આ દરમિયાન બંને દેશોના ટોચના નેતૃત્વએ એકબીજા સાથે વાતચીતના માધ્યમથી તેમાં ઘટાડો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હવે આગામી નવ અને દસ જૂને ૧૮માં એસસીઓ સંમેલન બાદ યુદ્ધાભ્યાસ પણ થવાનો છે. સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દુનિયાના અનેક ટોચના નેતાઓ સામેલ થવાના છે. એસસીઓ દેશોના ગત યુદ્ધાભ્યાસ સપ્ટેમ્બર ર૦૧૬માં થયા હતા. ર૦૧૭માં એસસીઓનો કાયમી સભ્ય બન્યા બાદ ભારત અને પાકિસ્તાન ચાલુ વર્ષે પહેલીવાર આ યુદ્ધાભ્યાસમાં પણ ભાગ લેવાના છે. બીજીબાજુ ચીનના વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું હતુંં કે ભારત અમારી મહત્વકાંક્ષી યોજના વન બેલ્ટ વન રોડને સમર્થન આપતું નથી. પરંતુ આ મુદ્દો એસસીઓમાં વિવાદનું કોઇ કારણ નહીં બને અને આ મુદ્દો પોતાના પરસ્પર હિતોનો મામલો છે. નોંધનીય છે કે ચીન આ વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટની મદદથી ઘણાં દેશોને એકબીજા સાથે જોડવા માગે છે પણ ભારતે આ પ્રોજેક્ટમાં જોડાવાનો ઇન્કાર કરી દીધો હતો અને ત્યારથી ચીન સાથે તનાવ વધ્યો હતો. નોંધનીય છે કે એસસીઓમાં બીઆરઆઈનો વિરોધ કરનારો પણ ભારત એકમાત્ર દેશ છે.