(એજન્સી) તા.૩
ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ૩૧ ઓક્ટોબરના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું ઉદ્‌ઘાટન થશે. દેશના પ્રથમ ઉપપ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં રૂા.ર૯૯૦ કરોડના ખર્ચે આ પ્રતિમાનું નિર્માણ થઈ રહ્યું છે. રપ૦૦થી વધારે મજૂરો આ પ્રતિમાના બાંધકામમાં જોડાયેલા છે. આ લોકોમાં ચાઈનીઝ વર્કરો પણ સામેલ છે. જે આ પ્રતિમાને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે. સરદાર પટેલની આ પ્રતિમા ૧૮ર મીટર ઊંચી હશે. જે હાલમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગણાતી ચીનની સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધથી પણ વધારે ઊંચી છે. સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધ પ્રતિમાની ઊંચાઈ ૧ર૮ મીટર છે. પરંતુ ર૦ર૧માં ભારતમાં જ સરદાર પટેલની પ્રતિમાથી ઊંચી પ્રતિમાનું નિર્માણ થઈ જશે. મુંબઈના દરિયામાં બનનારી છત્રપતિ શિવાજીની પ્રતિમાની ઊંચાઈ ર૧ર મીટર હશે. અમેરિકાની સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં આ બંને પ્રતિમાઓની ઊંચાઈ લગભગ બેગણી વધારે છે. ઉલ્લખેનીય છે કે, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની ઊંચાઈ ૯૩ મીટર છે.