સુરેન્દ્રનગર,તા.૧૧
ચૂંટણીમાં ગાયના નામે મત માંગનાર સરકાર હવે કામધેનુને ભૂલી ગઈ હોય લાગે છે. વાઇબ્રન્ટ ગુજરાત જેવા તાયફા પાછળ કરોડોનો ધુમાડો કરનાર સરકાર પાસે હવે ગાયના ઘાસચારા માટે નાણાં નથી સુરેન્દ્રનગરમાં આવેલ શ્રી પાર્શ્વ પદ્માવતી પાંજરાપોળ ચેરીટેબલ ટ્રસ્ટ પાંજરાપોળમાં ઘાસના અભાવે પશુઓને કેવી રીતે જીવાડવા તે એક સવાલ છે ત્યારે સંચાલક દ્વારા આ પાંજરાપોળમા રાખવામાં આવેલ પશુઓને કલેકટર કચેરી ના ગ્રાઉન્ડ માં છોડી મૂકવાની ચીમકી ઉચ્ચારી છે.
સુરેન્દ્રનગરમાં આવેલ શ્રી પાર્શ્વ પદ્માવતી પાંજરાપોળ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત પાંજરાપોળ વર્ષ ૨૦૦૩થી કાર્યરત છે. કદાચ ગુજરાતમાં એકમાત્ર મહિલા સંચાલિત આ પાંજરાપોળ છે. આ પાંજરાપોળમાં નાના-નાના તરછોડાયેલા અનાથ ઘાયલ વાછરડા, બીમાર વાછરડા ઓની માવજત અને સેવા-ચાકરી કરી અને અન્નદાન આહારદાન ઘાસચારા દ્વારા જીવદયા નું અભિયાન પૂરું પાડવામાં આવે છે. રજિસ્ટર અને ઇન્કમટેક્સ એક્ટ ૮૦ જી હેઠળ ૧૭ વર્ષથી ચાલતી આ પાંજરાપોળમાં આજની તારીખ સુધીમાં કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા કોઇપણ ઘાસચારા કે શેડ ની વારંવાર રજૂઆતો કરવા છતાં ગ્રાન્ટ મળેલ નથી. ૨૦૦થી વધુ અબોલ જીવોનો નીભાવ કરતી આ પાંજરાપોળની હાલની પરિસ્થિતિ એવી છે કે ઉનાળામાં માલઢોરને અછતગ્રસ્ત જાહેર કરે કે ન કરે ઘાસચારાના ભાવ એટલી હદે વધ્યા છે પશુઓને પૂરૂ પાડી શકાય તેમ નથી. પ્રશાસનમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં પેટનું પાણી હલતું નથી. પાંજરાપોળના મહિલા સંચાલકનું કહેવું છે કે આશ્રિત પશુઓના નિભાવ માટે સોના-ચાંદી અને મિલકત વેચી હાલમાં આ પાંજરાપોળ કાર્યરત છે. પરંતુ આગામી દિવસોમાં પાંજરાપોળનું સંચાલન કરવું અશક્ય બન્યું છે.