(એજન્સી) મુંબઇ, તા. ૨૭
આરએસએસ સમર્થિત મરાઠી દૈનિક ‘તરૂણ ભારત’એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધવા બદલ ‘ચોકીદાર ચોર છે’ના સૂત્રનો ઉપયોગ કરીને શિવસેનાને આકરો પ્રશ્ન પૂછ્યો છે કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી પાર્ટીએ ગઠબંધન સરકાર શા માટે છોડી નથી ? દૈનિકના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનનો હિસ્સો હોવા છતાં શિવસેના ભાજપની સતત ટીકા કરી રહી છે. ‘ચોકીદાર ચોર છે’ (દેશનો ચોકીદાર ચોર છે)ના સૂત્રનો ઉપયોગ કરીને તંત્રી લેખમાં જણાવવામાં આવ્યું છે કે ઠાકરે પોતાને અને પોતાની પાર્ટીના પ્રધાનોને ચોર કહી રહ્યા છે. શિવસેનાને એવું પૂછવામાં આવ્યું છે કે જો ચોકીદાર ચોર હોવાનું લાગે છે તો શિવસેના સરકારને તાકીદે શા માટે છોડી દેતી નથી. અખબારમાં જણાવવામાં આવ્યું છે કે શિવસેનાએ સત્તા છોડવાનો ઇરાદો કર્યો નથી અને ન તો એમ કરવાની તેનામાં હિંમત છે. બાલા સાહેબ ઠાકરે અને આજની શિવસેનામાં ભારે અંતર છે.
તંત્રીલેખમાં એવો પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે શિવસેનાએ ઓચિંતા રામ મંદિરનો મુદ્દો શા માટે ઉઠાવ્યો ? શિવસેના ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓથી ડરી ગઇ હોવાથી રામ મંદિરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. શિવસેના એ માનવા તૈયાર નથી કે નાનો ભાઇ (ભાજપ) હવે મોટો ભાઇ (ગઠબંધનમાં) થઇ ગયો છે. શિવસેનાનો આ ભ્રમ છે કે તે રામ મંદિરનો મુદ્દો આગળ વધારીને સત્તામાં આવી શકે છે.