(સંવાદદાતા દ્વારા) પાવીજેતપુર, તા.૩૧
પાવીજેતપુર તાલુકાના નાનીબેજ ગામે નાયક સમાજની એક મહિલાને ગામના જ સોલંકી સમાજના લોકો દ્વારા નિર્વસ્ત્ર કરી ઢોર માર માર્યો હતો. તેમજ તેણીના પતિ તથા કુટુંબના સભ્યોને પણ ઢોરમાર મારી નાખવાની ધમકી સાથે ગામ છોડવાની ધમકી આપતા પીડિતા દ્વારા પોલીસમાં ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના નાનીબેજ ગામે હરેશભાઈ નરેન્દ્રસિંહ સોલંકી, જયપાલસિંહ ગણપતસિંહ સોલંકી, ધનરાજસિંહ નારસિંહ સોલંકી, યોગેશસિંહ મનહરસિંહ સોલંકી તેમજ તેમની સાથે ૧૦થી ૧પ માણસોનું ટોળું તા.ર૭-૮-૧૭ના રોજ નાયક મહિલાને ઘરે પહોંચી યોગેશસિંહ સોલંકીએ જણાવેલ કે નાયક મહિલાનો પુત્ર યોગેશભાઈની છોકરી કોણ ભગાડી ગયું છે ? તે જાણે છે તેમ કહી નાયક મહિલાનો હાથ પકડી ખેંચી નાંખી સાડી કાઢી નાંખી હતી. તથા કબજો અને ઘાઘરો પણ કાઢી નાખી નિર્વસ્ત્ર કરીને ખૂબ જ માર મારેલ. તેમજ નાયક મહિલાના પતિ છોડાવવા જતાં તેઓને પણ ઢોરમાર મારવામાં આવ્યો હતો. તેમજ ધમકી આપી ગયેલ કે ફરિયાદ કરી છે તો તમને ગામમાં રહેવા દઈશું નહીં.
બીજા દિવસે તા.ર૮-૦૮-ર૦૧૭ના રોજ સોલંકી સમાજના ચારેય ઈસમો નાયકા મહિલાના કુટુંબના સભ્યો નાયકા સબુરભાઈ શનાભાઈ, નાયકા ભાવસીંગભાઈ બચુભાઈ, નાયકા ચીમનભાઈ મંગાભાઈ, નાયકા રાવજીભાઈ જીવલાભાઈના ઘરે જઈને તેઓને પણ ગડદાપાટુનો માર મારેલ અને ગામમાં નહીં રહેવા દેવાની ધમકી આપી હતી.
નાયકા મહિલાના પતિને પાવી-જેતપુર પોલીસ સ્ટેશન ઉપર રસ્તાઓ બંધ કરી સોલંકી જવાનોએ જવા દીધેલ નહીં અંતે તા.ર૮-૦૮-ર૦૧૭ના રોજ નાયકા મહિલા તથા તેણીનો પતિ પાવી-જેતપુર પોલીસ સ્ટેશન જઈ પરત ઘરે ફરતાં સાંજના આ તમામ આરોપીઓએ ફરીથી નાયકા મહિલાના ઘર પર આવેલા અને જાતિ વિરૂદ્ધ શબ્દો બોલી મહિલાને તથા પતિને ઢોરમાર મારેલ તથા તિજોરી તોડીને રૂા.રપ,૦૦૦/- રૂપિયા રોકડા તથા ચાંદીની રકમોની લૂંટ કરેલ તેમજ ઘરના દરવાજા તોડી નાંખેલ.
આમ, નાયક મહિલાને તેમજ તેના પરિવારને ઢોરમાર મારી, મારી નાખવાની ધમકી સાથે ગામ છોડવાની ધમકી આપતા ન્યાય માટે પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.