અમદાવાદ,તા. ૧૮
શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તે ચાલતી જતી છોકરીઓને ટાર્ગેટ બનાવી તેમના ગળામાંથી ચેઇન સ્નેચીંગ કરતા બે રીઢા ચેઇન સ્નેચરોને શહેર ક્રાઇમબ્રાંચે આજે રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે બંને આરોપીઓ અશોક ધનજીભાઇ પરમાર અને સુરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ ઝાલાની ધરપકડ કરી તેઓની પાસેથી સોનાની ચેઇન, બાઇક મળી કુલ રૂ.૬૫ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, શહેર ક્રાઇમબ્રાંચના અધિકારીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે, શહેરના આરટીઓથી સુભાષબ્રીજ આવવાના રોડ પર બ્રીજના છેડેથી આરોપી અશોક ધનજીભાઇ પરમાર (રહે. સતકેવલ નગર, ગાંધીવાસ-૨, સાબરમતી) અને સુરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ ઝાલા (રહે. અનંતવીલા ફલેટ, પ્રાંતિજ હાઇવે, તા.પ્રાંતિજ)ની ધરપકડ કરી લીધી હતી. આરોપીઓની પૂછપરછમાં તેમણે ચેઇન સ્નેચીંગના ગુનાની કબૂલાત કરતા જણાવ્યું હતું કે, આરોપીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તે ચાલતી જતી એકલદોકલ છોકરીઓને ટાર્ગેટ કરતા હતા અને તેમના ગળામાંથી ચેઇન સ્નેચીંગ કરતા હતા. આરોપીઓએ નારણપુરા વિસ્તારમાં સમર્પણ ચાર રસ્તા પાસેથી ચાલતી જતી બે છોકરીઓ પૈેકી એકના ગળામાંથી ચેઇન તોડી નાસી ગયા હતા તે ગુનાની કબૂલાત પણ કરી હતી. આરોપીઓએ સાબરમતી, ચાંદખેડા, નારણપુરા સહિતના વિસ્તારોમા ચેઇન સ્નેચીંગના ગુનાને અંજામ આપ્યો હતો. પકડાયેલા બે આરોપીઓ પૈકી આરોપી સુરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ ઝાલા બે વખત પાસા હેઠળ જેલમાં જઇ આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી અન્ય ગુનાઓના ભેદ ઉકેલવાની દિશામાં તપાસ જારી રાખી છે.