(સંવાદદતા દ્વારા)
ગાંધીનગર,તા.૧
ગુજરાત રાજ્યમાં ગીરના ૧૬ સિંહોના મૃત્યું થતા વન્યપ્રેમીઓ અને પર્યાવરણવાદીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો છતાં સિંહોના સંવર્ધન અને રક્ષણ માટે પુરતા રૂપિયા ફાળવવા કે વાપરવામાં આવતા નથી. ત્યારે ગીરના ૧૬ સિંહોના મૃત્યું કુદરતી કારણોસર થયા હોવાનું અનુમાન છે. એમ જણાવતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે, સિંહોના મૃત્યુ હાલ કુદરતી હોવાનું અનુમાન લગાવ્યું છે પરંતુ તેની વધુ ચોકસાઈથી તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ તેમણે ખાતરના ભાવ વધારા સંદર્ભે પણ કેટલીક માહિતી આપી હતી, તેમણે કહ્યું કે, પેટ્રોલીયમ પેદાશોના ભાવવધારાના કારણે ખાતરના ભાવોમાં વધારો થયો છે. ગુજરાત રાજ્યમાં અત્યારે ૧૬ સિંહોના અકાળે થયેલા મૃત્યુએ સમગ્ર દેશમાં ભારે ચકચાર જગાવી છે. કોઈ એક જ રેન્જમાં આટલી મોટી સંખ્યામાં સિંહોના મૃત્યું થવાના કારણો પણ હજુ સ્પષ્ટ જણાઈ આવ્યા નથી. ત્યારે આજે ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ સિંહોના મૃત્યું અત્યારે કુદરતી કારણોથી થયા હોવાનું જણાય છે. આ સિંહોના મૃત્યું પછી કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીમો દ્વારા પીએમ સહિત સધન તપાસ કરી તેના વિશેરા પુનાની લેબમાં મોકલી આપવામાં આવ્યા છે.