અમરેલી,તા.૬
અમરેલીમાં ટ્રાફિકથી ધમધમતા ટાવર પાસે પાણીની પાઈપલાઈન તુટતા ભર શિયાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયેલ હતું.
અમરેલીના હાર્દસમાં ટ્રાફિકથી ધમધમતા ટાવર પાસે ભુર્ગભ ગટરના કામના કારણે જેસીબી મશીનથી ખાડો ખોદતી વેળા પાણીની પાઈપલાઈન તુટી જતા અને પાલિકા દ્વારા બહારપરા પાણી વિતરણનો વારો હોવાથી પાણી શરૂ કરતા જેના કારણે ટાવરના ચારેય રસ્તાઓમાં પાણીના ધોધ વહેવા લાગ્યા હતા અને જાણે ચોમાસાના ધોધમાર વરસાદથી પાણી વહેતુ હોઈ તેવો માહોલ સર્જાયેલ હતો.
શહેરમાં કેટલાક સમયથી ભુગર્ભ ગટરના કામના કારણે ધુળની ડમરીઓ તેમજ પાણીની વારંવાર લાઈનો તુટવાથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયેલ છે. નગરપાલિકા કે સ્ટેટમાં આવતી કચેરીઓના અધિકારીઓ દ્વારા કામોનું નિરીક્ષણ થતું નથી. છેલ્લા કેટલાક મહિનાથી વ્યુગર્ભ ગટરના કામોના કારણે શહેરમાં ધુળની ડમરીઓએ લોકોને બાનમાં લીધેલ છે.
આજે ટાવર પાસે પાણીની લાઈન તુટવાથી બજારમાં ખરીદી કરવા આવેલ મહિલાઓ તેમજ વાહાચાલકોને ભારે હેરાનગતીનો સામનો કરવો પડ્યો હતો. વેપારીઓની દુકાન પાસે અડધો ફૂટ પાણી ભરાઈ જવા તેમને વેપારમાં મુશ્કેલી સર્જાઈ હતી.