(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૪
ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ સમય કરતા વહેલુ બેસવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. અરબી સમુદ્રમાં એક સીસ્ટમ આકાર લઈ રહી છે. જેનાથી હાલ રાજયના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત ૧૦ જૂનથી દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી જણાવ્યું છે કે ૧૩ જૂન સુધીમાં ગુજરાતમાં વિધિવત ચોમાસુ બેસી જવાની સંભાવના છે.દક્ષિણ ગુજરાતમાં ગતરોજ વરસાદ પડયા બાદ આજે પણ વલસાડ, વાપી સહિત અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાતા લોકોને ગરમીમાં રાહત મળી હતી. દક્ષિણ ગુજરાતમાં ચાલુ વર્ષે તાપમાનનો પારો ૪૦ ડિગ્રીનો પાર કરી ગયો હતો. તેવામાં વરસાદનું આગમન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. તાપમાનમાં અચાનક ઘટાડો થતા લોકોએ રાહત અનુભવી છે આ સાથે જ વહેલુ ચોમાસુ બેસવાની આશા પણ બંધાઈ છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં આકાર લઈ રહેલી સીસ્ટમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ માટે કારણભૂત છે ઉપરાંત આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં પુનઃ વરસાદ પડવાની સંભાવના છે. ૧૦થી ૧૩ જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદ થવાની સાથે વિધિવત ચોમાસુ પણ બેસી જવાની સંભાવના છે. હાલ ગુજરાતના હવામાનમાં પવનની સાથે ભેજનું પ્રમાણ પણ વધી જતાં ગરમીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જો કે ભેજના કારણે ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રિ.મોન્સૂન એકિટવિટીના કારણે વરસાદનું આગમન થયું હતું અમરેલી જિલ્લામાં ખાસ કરીને સાવરકુંડલામાં તો અઢી ઈંચ જેટલો વરસાદ પડતા નાવળી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.