અમદાવાદ, તા.૨૭
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આંકડાઓ મુજબ, ગુજરાતમાં મોસમનો ૭૦ ટકા વરસાદ થયો છે. રાજયમાં હળવા વરસાદથી ખેડૂતો ચિંતામાં, જળાશયોમાં માત્ર ૪૯ ટકા જ પાણી રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન છુટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા છે અને વરસાદનું જોર ઘટ્યુ છે. ખેડૂતો હજુ ભારે વરસાદની રાહ જોઇને બેઠા છે.
આધારભૂત માહિતી પ્રમાણે, રાજયના કુલ ૨૦૩ જળાશયોમાં હાલ ૨૭૫૦૧૮ એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૪૯.૪૧ ટકા જેટલો થાય છે.સરદાર સરોવર ડેમમાં ૧૭૧૪૦૯એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશકિતના ૫૧.૩૧ ટકા જેટલો થાય છે. સરદાર સરોવરની આજે ૧૧૯.૫૫ મીટર પર છે.
ગુજરાતના વિવિધ પ્રદેશોમાં આવેલા જળાશયોમાં પાણીની સ્થિતિ જોઇએ તો, ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમા ૩૩.૧૧ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમા ૭૮.૨૪ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમા ૪૮.૦૬ ટકા, કચ્છના ૨૦ જળાશયોમા ૧૨.૫૯ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૮ જળાશયોમા ૪૪.૫૨ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૦.૨૯ ટકા જેટલો નોધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૨૫.૨૧ ટકા, ઉત્તર ગુજરાતમાં ૩૮.૬૨ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૬૩.૯૯ ટકા, સોરાષ્ટ્રમાં ૬૯.૦૨ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૯૦.૮૫ ટકા જેટલો સરેરાશ વરસ્યો હોવાના અહેવાલો છે.
ખેતીવાડી વિભાગનાં આંકડાઓ મુજબ, રાજ્યમાં કુલ ૮૫.૬૭ લાખ હેક્ટર સરેરાશ વાવેતર વિસ્તારમાં તેમાં ૨૦ ઓગષ્ટનાં સ્થિતિએ ૮૫.૯૫ ટકા વાવેતર થઇ ગયુ છે. રાજ્યમાં ખેડૂતોએ મુખ્યત્વે ડાંગર, બાજરા, મકાઇ, તુવેર, અડદ, મગફળી, સોયાબીન, કપાસ અને શાકભાજીનું વાવેતર કર્યુ છે. કપાસનાં કુલ વાવેતર વિસ્તારની સરખામણીએ આ વર્ષે ૧૦૩ ટકા વાવેતર થયુ છે જ્યારે મગફળીના કુલ વાવેતર વિસ્તારની સરખામણીમાં ૯૭ ટકા જેટલુ વાવેતર થયુ છે.