અમદાવાદ/ભાવનગર, તા. ર૮
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને ગુજરાતમાં કોણ નથી ઓળખતું ? ત્યારે હવે તેમનો પુત્ર મીત વાઘાણી પણ ચર્ચામાં આવ્યો છે. હાલમાં ભાવનગર યુનિવર્સિટીની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે ભાવનગરમાં જ એમ.જે. કોમર્સ કોલેજમાં પરીક્ષા આપી રહેલ મીત જીતુ વાઘાણી પાસેથી રપથી વધુ કાપલીઓ પકડાતા બ્લોક સુપરવાઇઝર દ્વારા કોપી કેસ કરવામાં આવ્યો છે. જોકે આ મામલે જીતુ વાઘાણીનું નામ જોડાયેલ હોવાને કારણે આજ રોજ સાત કોપી કેસ કરાયા છે, ત્યારે કોઈનું નામ ન આપી શકાય તેમ કહી યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા લૂલો બચાવ કરતાં આ મામલે મૌન ધારણ કરી લેવાયું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોલેજમાં પરીક્ષા ચાલી રહી હતી ત્યારે, બ્લોક સુપરવાઇઝર આ પ્રાધ્યાપકના ધ્યાનમાં આવ્યું, કે કેટલાંક વિદ્યાર્થીઓ પરીક્ષામાં બહારથી સાહિત્ય લાવી કોપી કરી રહ્યા છે. જેના આધારે વિદ્યાર્થીઓની ઝડતી લેતાં તેમની પાસેથી પરીક્ષા સંબંધી માહિતી લખેલી કાપલીઓ મળી આવી હતી. જેમાં બીસીએની પરીક્ષા આપી રહેલ મીત જીતુ વાઘાણી પાસેથી ર૭ કાપલીઓ મળી આવી હોવાની જાણકારી મળી રહી છે. જોકે વાટલીયાએ મીતને પકડતા તેણે કોલેજમાં હોબાળો મચાવ્યો હતો અને માઠા પરિણામ માટે તૈયાર રહેવા પ્રાધ્યાપકને ધમકી આપી હોવાની જાણકારી મળી છે. આમ છતાં પ્રાધ્યાપક વાટલીયાએ મક્કમતાથી પરિસ્થિતિને સંભાળી કોપી કેસ કર્યો હતો અને તેઓ યુનિવર્સિટી પહોંચ્યા હતા. મીત જીતુ વાઘાણી કોપી કેસમાં પકડાયો છે તેવી જાણકારી મળતા સમાચાર માધ્યમો યુનિવર્સિટી ખાતે પહોંયા હતા. પ્રાધ્યાપક વાટલીયા તેમણે કરેલા કેસના કાગળો વાઇસ ચાન્સેલર મહિપતસિંહ ચાવડાને સોંપી બહાર નિકળ્યા ત્યારે સમાચાર માધ્યમોના પ્રતિનિધિએ મીત વાઘાણી અંગે સવાલ પૂછ્યા ત્યારે તેમણે સૂચક જવાબ આપ્યો હતો કે મારી નિવૃત્તિ નજીક છે આ મામલે ઘટનાની ખરાઈ કરવા માટે મહિપતસિંહ ચાવડાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જાણકારી આપી હતી કે પરીક્ષા દરમિયાન કુલ સાત કેસ થયા છે, પણ કોની સામે થયા તેમના નામની મને ખબર નથી. આમ, મીત વાઘાણીના નામના કારણે બધાના મોઢાં સિવાઈ ગયા હતા, જ્યારે પ્રાધ્યાપક વાટલીયાનો સંપર્ક કરવાનો પ્રયત્ન થયો ત્યારે તેમના ફોનની રિંગ વાગી રહી હતી ત્યાર બાદ ફોન સ્વિચ ઓફ થયો હતો. અત્યારે લોકસભાની ચૂંટણીના કારણે રાજકારણ ગરમાયું છે ત્યારે ચોકીદાર શબ્દનો ઉપયોગ કરી મોટી મોટી વાતો કરનાર ભાજપના જ પ્રદેશ પ્રમુખનો પુત્ર ચોરી કરતા ઝડપાયો છે. આ વાતની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. જ્યારે બીજી તરફ યુનિવર્સિટીએ ભેદી મૌન ધારણ કરી આ મામલે વધુ કાંઈ જણાવતા નથી. જોકે હાલ તો આ ચર્ચાએ સમગ્ર રાજ્યમાં જોર પકડ્યુ છે. ત્યારે હવે ભાજપ સહિત અન્ય લોકો પછી આ મુદ્દે કંઈ વાત કરે છે કે પછી આ કિસ્સામાં જીતુ વાઘાણીનું નામ આવવાના કારણે યુનિવર્સિટી સત્તાધીશોની જેમ મૌન ધારણ કરી લે છે તે જોવું રહ્યું !