જયપુર,તા.૧૬
સ્ટેટ ડાયરેક્ટર ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (એસડીઆરઆઈ)એ આઇપીએલની મેચોની ટિકિટમાં ૧૧.૬૨ કરોડની ટિકિટવેચાણ પર ૩.૨૫ કરોડના જીએસટીની ચોરી પકડી છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મેસર્સ રોયલ મલ્ટી સ્પોટ્‌ર્સ પ્રા.લી.ની ફ્રેન્ચાઈઝ કંપનીએ રાજસ્થાન રોયલ્સ માટે ૧૧ એપ્રિલથી ૧૯ મે ૨૦૧૮ દરમિયાન કુલ ૭ મેચોનું આયોજન કર્યું હતું.
ટિકિટોનું વેચાણ મુખ્યરૂપે ઓનલાઇન પોર્ટલ બુક માય શો દ્વારા થયું હતું. તે સિવાય ૧૧.૬૨ કરોડ કિંમતની કુલ ૬૫૨૦૭ ટિકિટોનું કોમ્પ્લિમેન્ટ્રી વેચાણ પણ થયું હતું. અલગ-અલગ કેટેગરીમાં આ ટિકિટોની કિંમત ૫૦૦થી ૧૫૦૦ રૂપિયાની હતી.મેસર્સ રોયલ મલ્ટી સ્પોટ્‌ર્સ પ્રા. લી. દ્વારા પ્રસ્તુત દસ્તાવેજોની તપાસ પછી સામે આવ્યું કે ૧૧.૬૨ કરોડ રૂપિયાની કોમ્પ્લિમેન્ટ્રી ટિકિટ્‌સ ઉપર ૨૮% જીએસટી લેખે ૩.૨૫ કરોડના ટેક્સની ચોરી થઇ હતી. કંપનીએ જીએસટી એક્ટ પ્રમાણે મુંબઈમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જયારે બધી મેચ જયપુરમાં રમવાની હતી. જીએસટી નિયમ પ્રમાણે રાજસ્થાનમાં રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે તેમ છતાં કંપનીએ રજીસ્ટ્રેશન કરાવ્યું ન હતું.