(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૨
શહેરનાં અલકાપુરી વિસ્તારમાં આવેલ કુંજ સોસાયટીમાં રહેતાં બિઝનેસમેનનાં ઘરે ત્રાટકેલા તસ્કરો વેપારી દંપતિને બેડરૂમમાં પુરી મકાનનો સામાન વેરફેર કરી હિરા તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ ૨૩.૫૦ લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ જતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. શહેરનાં પોર્શ વિસ્તારમાં બનેલી ચોરીની ઘટનાને પગલે પોલીસનાં રાત્રી પેટ્રોલીંગનાં દાવા પોકળ સાબિત થયા હતા. પ્રાપ્ત થતી વિગત અનુસાર અલકાપુરી ખાતે આવેલ કુંજ સોસાયટીનાં બી-૪૪ મકાનમાં રહેતાં મુકેશભાઇ કનૈયાલાલ દાલીયા ગત રાત્રીનાં સમયે જમી-પરવારી પોતાની પત્ની સાથે બેડરૂમમાં જઇ સુઇ ગયા હતા. દરમ્યાન તેમના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ તેમના અન્ય બેડરૂમની બારીની ગ્રીલ તોડી મકાનમાં પ્રવેશ મેળવ્યો હતો. તસ્કરોએ સુઇ ગયેલા દંપતિને બેડરૂમને બહારથી સ્ટોપર મારી અંદર પુરી દીધા હતા. ત્યારબાદ અન્ય રૂમમાં જઇ તિજોરી તોડી તેમાંથી હિરા ડાયમંડની બંગડીઓ, ૩ હિરાની વિંટીઓ તેમજ અન્ય સોના-ચાંદીના દાગીના મળી ૨૩.૫૦ લાખની મત્તા ચોરી ફરાર થઇ ગયા હતા. સવારે ઉઠેલા દંપતિને બનાવ અંગેની જાણ થતા તેમણે તાત્કાલીક સયાજીગંજ પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે મુકેશભાઇની ફરિયાદ નોંધી તસ્કરોની ભાળ મેળવવા ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતો તેમજ ડોગસ્કોર્ડની મદદથી તપાસ શરૂ કરી હતી.