જૂનાગઢ, તા. ૩
જૂનાગઢ એલસીબી પોલીસે ઘરફોડ ચોરીના અણઉકેલ બનાવનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. માણાવદર-જૂનાગઢ અને તાલાલામાં થયેલી ઘરફોડ ચોરીના આરોપીને ગઈ કાલે ઝડપી લીધો હતો. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ એલસીબીનો સ્ટાફ ભેસાણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન મેદપરા ગામ પાસે સુખપુર ગામ તરફ જવાના રોડ ઉપર યુસુફ ઉર્ફે મીમલી ગનીભાઈ મકવાણાને શંકાસ્પદ હાલતમાં પકડીને આગવી ઢબે પૂછપરછ આદરી હતી. જેમાં તેણે માણાવદરમાં એક, જૂનાગઢમાં બે અને તાલાલામાં કરેલી સાગરીતો સાથેની એક ચોરીની એમ ચાર ચોરી અંગે કબુલાત આપી હતી. જૂનાગઢ એલસીબીએ એક સાથ ચાર ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. ઉપરાંત જૂનાગઢ શહેરમાં એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમ્યાન સ્ટાફને મળેલ બાતમીને આધારે જૂનાગઢ મજેવડી ગેટ તરફ જતા રોડ ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે ભરતભાઈ બાબુભાઈ સોલંકી દેવીપૂજક જીજે ૧૧ એલએલ ૧૮૪૭ બાઈક સાથે મળી આવ્યો હતો. જેની આગવી ઢબે પૂછપરછ કરતા તેણે આજથી એક દિવસ પહેલા ચુનારવાસ ચોરી કરેલ હોવાની કબૂલાત આપી હતી. આથી તેને ઝડપી લઈ બી-ડિવિઝન પોલીસને સુપ્રત કર્યો હતો. આ કાર્યવાહીમાં શબ્બીરખાન, ભરતભાઈ સોનારા, રોહિતભાઈ ધાધલ, ઈન્દ્રજીતસિંહ, આઝદસિંહ સીસોદિયા, સાહિલ સમા, દાનાભાઈ જીવણભાઈ, દેવાભાઈ ભારાઈ વગેરેએ કામગીરી કરી હતી.