(એજન્સી) હૈદરાબાદ, તા.૧૧
હૈદરાબાદમાં જૂની હવેલી સ્થિત નિઝામના મ્યુઝિયમમાંથી ચોરી થયેલા હીરાજડીત સોનાનું એક ટિફિન સહિત કેટલોક એન્ટિક સામાન પોલીસે કબ્જે કરી લીધો છે. વાસણોનો ઉપયોગ હૈદરાબાદના અંતિમ નિઝામ મીર ઉસ્માન અલી ખાન, આસફ જાહ (સાતમા)એ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ પ્રાચિન સામાનોની કિંમત લગભગ ૫૦ કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ચોર બે સપ્ટેમ્બરની રાત્રે મ્યુઝિયમમાંથી હીરા જડીત બે કિલોગ્રામ વજનનું એક સોનાનું ટિફિન અને માણિક, હીરા-પન્ના જડીત એક કપ, એક થાળી અને એક ચમચી ચોરીને મુંબઈ લઈ ગયા હતા, અને અહીં એક લક્ઝરી હોટલમાં સંતાડી દીધા હતા.
પોલીસે આ ચોરોને પકડવા માટે ૧૫ સ્પેશ્યલ ટીમ ગોઠવી હતી, આ ટીમે ચોરોને મુંબઈથી ઝડપી પાડ્યા છે અને ચોરેલો સામાન પણ કબ્જે લીધો છે. પોલીસે જણાવ્યું કે, આ ચોર સાતમા નિઝામના આ કિંમતી ટિફિનમાં રોજ ખાવાનું ખાતા હતા.
નિઝામ મ્યુઝિયમમાં ચોરીનો સીસીટીવી સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, આમાં દેખવામાં આવી રહ્યું છે કે, મોંઢા પર નકાબ પહેરી ચોરી કરી ચોર બિલ્ડીંગમાંથી બહાર નીકળી રહ્યા છે, અને પછી બાઈક પર સવાર થઈ ત્યાંથી ફરાર થઈ ગયા. અહીં નોંધનીય છે કે મ્યુઝિયમની સુરક્ષા વ્યવસ્થા નબળી હોવાના કારણે ચોરો સફળ રહ્યા હતા.