શાળા પ્રવેશોત્સવમાં યુપીના પૂર્વ મુખ્યમંત્રી છવાયા !!

બોડેલી,તા.૧૩

છોટાઉદેપુરના બોડેલીની એક સરકારી પ્રાથમિક શાળામાં સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના બાળકોને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના  ફોટાવાળા બેગ આપવામાં આવ્યા  હતા. ગુજરાતમાં યુપીના પૂર્વ મુખ્યમંત્રીના ફોટાવાળા બેગ શાળામાં વહેંચવામાં આવતા  અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલો બહાર  આવતા  ફફડી ઉઠેલા શિક્ષણ વિભાગના અધિકારીએ તપાસના  આદેશ આપ્યા છે.

બોડેલીની અલીપુરા પ્રાથમિક શાળામાં પણ આ પ્રકારની સ્કૂલ બેગ આપતા બાળકો જયારે સ્કૂલ બેગ લઈને શાળામાં બેઠા હતા. ત્યારે બેગ પર મારેલ સ્ટીકર નીકળી ગયું હતું અને નીચે કાળા કલર પર સ્કેચ કરતા અખિલેશ યાદવનો ફોટો દેખાતા બાળકોએ સ્કૂલ શિક્ષિકાને બતાવતા તે પણ અચરજમાં પડી ગયા હતા, કે ગુજરાતમાં ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવનો ફોટો કેવી રીતે આવ્યો. હાલ રાજ્યભરના શાળા  પ્રવેશોત્સવ કાર્યક્રમો ચાલી રહ્યા છે અને જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં પણ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવી છે અને આ સ્કૂલ બેગ પર જિલ્લા પંચાયત શિક્ષણ શાખા છોટાઉદેપુર ર૦૧૭નું સ્ટીકર મારેલુ છે જે કાગળનું છે અને આ બેગ પર પ્રીન્ટ કરેલુ છે જેમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવની તસવીર છાપેલી જોવા  મળી હતી. આ બેગ ઉત્તરપ્રદેશથી આવેલી હોય તેમ લાગી રહ્યું છે. બોડેલીના અલીપુરા પ્રાથમિક શાળામાં તેમજ અન્ય  જગ્યા પણ આવી બેગ હોવાનું સામે આવ્યું છે  ઠેક ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની તસવીરની સાથે ખૂબ  યઢો ખૂબ બઢો, ઉત્તરપ્રદેશ લખેલુ છે જે બતાવે છે. આ સ્કૂલ બેગની ખરીદીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હશે જે વાત નકારી શકાય તેમ નથી આ બાબતે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તપાસનો આદેશ આપ્યો છે ત્યારે અહીંયા સવાલ ઊભો થાય છે કે ઉત્તરપ્રદેશની સ્કૂલ બેગો કયાંથી આટલા દૂરના વિસ્તાર સુધી આવી ગઈ શું આખા ગુજરાતમાં તો આવી સ્કૂલ બેગો બાળકોને નહીં  અપાય હોઈ ? જો કે જાણવા મળ્યા મુજબ સુરતની એક કંપની દ્વારા આ સ્કૂલ બેગ વહેંચવામાં આવ્યા હતા નિયમ પ્રમાણે બેગ પર ગુજરાત શિક્ષક વિભાગના  સ્ટીકર લગાવાના હતા. પરંતુ મોટા ભાગના  બેગ ઉપર એવું કરવામાં આવ્યું હતું પરંતુ કેટલાક બેગ  એવા હતા જેમાં ગુજરાતના સ્ટીકરની નીચે અખિલેશ યાદવના ફોટો વાળા સ્ટીકર  નીકળ્યા ઉચ્ચઅધિકારીઓનું  માનવુ છે કે જે કંપનીથી બેગ લીધા  છે તે કંપનીએ જ યુપી સરકારને બેગ મોકલ્યા હશે.