(સંવાદદાતા દ્વારા) છોટાઉદેપુર, તા.૬
છોટાઉદેપુર નગર સહિત જિલ્લામાં કુદરતની મેઘમહેર થતાં ધરતીપુત્રોએ વાવણી કરી દઈને ખાતરની ખરીદીમાં જોતરાયા છે અને જેને લઈ સહકારી સંઘો પર ખેડૂતોની કતારો જોવા મળી રહી છે. હવામાન ખાતા દ્વારા સારા વરસાદની આગાહી પણ કરવામાં આવેલ હોઈ સારા પાક થવાના અણસાર છે અને ધરતીપુત્રો પણ આ જ આશાઓ સેવી રહ્યા છે અને ખેતી કામગીરીમાં જોતરાઈ જવા પામ્યા છે.
છેલ્લા બેથી ત્રણ વર્ષ દરમ્યાન ખેતી પાકમાં નરસા સમાચાર બાદ ગત વર્ષથી ખેતી આવકમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે અને ખેતીવાડી વિભાગ તથા અનેક એન.જી.ઓ. દ્વારા અપાતી તાલીમને લઈ ધરતીપુત્રો ખેતીમાં આધુનિકતા તરફ વળ્યા છે અને જેને લઈ આ વિસ્તારમાં સારી ખેતી અને આવકમાં સુધારો જોવા મળી રહ્યો છે. આ વિસ્તારના ખેડૂતો મોટી માત્રામાં ગરીબી ધોરણે આવતા હોઈ પિયત ખેતીનો લ્હાવો આજે પણ જોઈએ તેટલો લ્હાવો ઉઠાવી શકતા નથી. છતાં પણ છોટાઉદેપુર જિલ્લો બન્યા બાદ સરકારી યોજના અને કચેરીઓથી માહિતગાર બન્યા બાદ આવનારા દિવસોમાં આ વિસ્તારનો ખેડૂત પણ આર્થિક સદ્ધરતાના આંકમાં આવે અને રોજગારી માટે અન્ય વિસ્તારમાં જવાનો વારો સંપૂર્ણ ટળે તે દિવસે વિકાસશીલ છોટાઉદેપુર જિલ્લાનું નિર્માણ થશે તે એક વાસ્તવિક હકીકત છે.