મેલબોર્ન,તા.૨૭
ચેતેશ્વર પુજારાએ મેલબોર્ન બોક્સિંગ ટેસ્ટમાં ૧૦૬ રન ફટકારી પોતાના કરિયરની ૧૭મી સદી નોંધાવી હતી. ગાંગુલીએ ૧૮૮ ઇંનિંગ્સમાં ૧૬ સેન્ચુરી મારી હતી જયારે લક્ષમણે ૨૨૫ ઇંનિંગ્સમાં ૧૭ સદી ફટકારી હતી. પુજારા ૧૧૨ ઇંનિંગ્સમાં તેમનાથી આગળ નીકળી ગયો હતો. પુજારાના કરિયરની સૌથી ધીમી સદીની સહાયથી બીજા દિવસના અંતે ભારતનો હાથ ઉપર છે. બોક્સિંગ ડે ટેસ્ટમાં સદી ફટકારનાર પાંચમો ભારતીય બનનાર પુજારાએ કહ્યું હતું કે બેટ્‌સમેન બાદ હવે બોલર્સ પર ૨૦ વિકેટ લઈ ભારતને મેચ જીતાડવાની જવાબદારી રહેશે.
પુજારાએ કહ્યું હતું કે હું પીચ અને પરિસ્થિતિ પ્રમાણે પોતાને ઢાળવામાં માનુ છું. ગઈકાલ કરતા આજે બેટિંગ કરવી બહુ અઘરી હતી. પીચમાં અનઇવન બાઉન્સ છે જેના લીધે એક બેટ્‌સમેન તરીકે તમે ગમે ત્યારે માત ખાઈ શકો છો. મેં બીજી કોઈ વિકેટ પર આટલાં બોલ (૩૧૯) રમ્યા હોત તો ૧૪૦ થી ૧૫૦ રન કર્યા હોત પણ અહીંયા શોટ-મેકિંગ ઘણું મુશ્કેલ છે. હું મારા ફોર્મથી ખુશ છું પરંતુ અમે પરિણામ માટે રમી રહ્યા છીએ અને તેથી બોલર્સ ૨૦ વિકેટ લઈને મેચ જીતાડે તેના પર જ અમારું ફોક્સ છે.
પૂજારાએ કહ્યું કે, કોહલીએ બેટિંગ કરતે વખતે પીઠ પર દુખાવાની ફરિયાદ કરી હતી. મેદાન પર થોડો સમય તેની સારવાર પણ થઈ હતી. તેની ઇજા મેજર નથી, હું કોઈ ફિઝિયો નથી પરંતુ મેં જે ચર્ચા કરી તેની સાથે તેના પરથી મને લાગે છે કે તે ગંભીર નથી અને ચિંતા કરવાની જરૂર નથી.