એડિલેડ,તા.૬
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડ ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના પહેલા દિવસે જ ભારતીય ટીમનો ધબડકો થયો હતો. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધા બાદ મેદાનમાં ઉતરેલી ઓપનિંગ જોડી પૈકી કે એલ રાહુલ અને મુરલી વિજયે ફરી એક વખત નિરાશ કર્યા હતા. માત્ર ત્રણ રનના સ્કોરે ભારતે પ્રથમ વિકેટ ગુમાવી પડી હતી. એકમાત્ર ચેતેશ્વર પૂજારાએ લડાયક સદ ફટકારતા મદદથી ભારત સન્માનજનક સ્કોર બનાવી શક્યું હતું. પુજારા સાત બાઉન્ડ્રી અને બે સિક્સરની મદદથી ૧૨૩ રન બનાવ્યા હતા અને તે દુર્ભાગ્ય રીતે રન આઉટ થઈ ગયો હતો. ભારતીય ટીમે પ્રથમ દિવસના અંતે નવ વિકેટ ગુમાવીને ૨૫૦ રનનો સ્કોર ખડકી દીધો છે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી માત્ર ત્રણ રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયો હતો. પેટ કમિન્સના બોલ પર તેણે ગલીમાં શોટ રમતા ફિલ્ડર ઉસ્માન ખ્વાજાએ સુંદર કેચ ઝડપી લીધો હતો. વિરાટે ૧૦મી ઓવરના ત્રીજા બોલને કટ કર્યો ત્યારે બોલ બાઉન્ડ્રી પાર કરશે તેવી આશા હતી પરંતુ ખ્વાજાએ ડાઈવ લગાવીને એક હાથે શાનદાર કેચ ઝડપી લીધો હતો.
ભારતીય બેટ્‌સમેનોનો ઓસ્ટ્રેલિયન પીચ પર એક પછી એક ધબડકો થતા બીજા સેશન સુધીમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. ચેતેશ્વર પૂજારાએ એકલાહાથે ટીમને ઉગારી છે અને ભારતનો સ્કોર ત્રણ આંકડાને પાર પહોંચાડ્યો હતો. ૪૧ રનમાં ટીમ ઈન્ડિયાની ચાર વિકેટ પડ્યા બાદ રોહિત શર્મા ગ્રાઉન્ડ પર ઉતર્યો હતો. ૧૧ મહિના બાદ ટેસ્ટ રમી રહેલા રોહિતે પુજારા સાથે મળીને ૪૫ રન બનાવ્યા હતા. રોહિતે ૩૭ ફટકાર્યા હતા જેમાં બે બાઉન્ડ્રી તેમજ ત્રણ સિક્સરનો સમાવેશ થાય છે. રોહિત અને પુજારાની આગેવાનીમાં ભારત જંગી સ્કોર ખડકશે તેવી આશા હતી પરંતુ નાથન લિયાનની ઓવરમાં બાઉન્ડ્રી નજીક માર્ક્સ હેરિસે તેનો સરળ કેચ ઝડપી લીધો હતો.
એકતરફ ભારતની વિકેટ પડવાનું શરૂ રહ્યું બીજીતરફ પૂજારાએ ધૈર્ય સાથે બેટિંગ કરી હતી. તેણે ૨૩૦ બોલમાં ટેસ્ટ કરિયરની ૧૬મી અને ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રથમ સદી ફટકારી હતી. આ સાથે પૂજારાએ ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦૦ રન પણ પૂરા કર્યા હતા.