(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે જણાવ્યું હતું કે, તેમણે ‘ચોકીદાર ચોર હૈ’ અંગે સુપ્રીમ કોર્ટની માફી માગી છે પણ ભાજપ અથવા પીએમ મોદીની માફી માગી નથી. તેમણે કહ્યું કે, મેં સુપ્રીમ કોર્ટની પ્રક્રિયા અંગે ટીપ્પણી કરી હતી આ મારી ભૂલ હતી અને મેં આ અંગે માફી માગી લીધી છે. રાહુલે કહ્યું કે, ચોકીદાર ચો હૈ અમારૂં સૂત્ર છે. રાહુલ ગાંધીએ વડાપ્રદાન દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક મુદ્દે જવાબ આપ્યો છે અને કહ્યું છે કે, સર્જિકલ સ્ટ્રાઇક સેના કરે છે તેનો સમગ્ર શ્રેય સેનાને જ જાય છે. સેના કોઇની વ્યક્તિગત સંપત્તિ નથી. તેમણે કહ્યંું કે, જ્યારે વડાપ્રધાન મોદી કહે છે કે યુપીએના શાસનમાં સર્જિકલ સ્ટ્રાઇક વીડિયો ગેમ્સમાં થઇ ત્યારે તેઓ કોંગ્રેસનું અપમાન નહીં પણ સેનાનું અપમાન કરી રહ્યા છે. ભાજપ મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવા અંગે શ્રેય લેવા માગે છે પણ એમ નથી કહેતો કે તેને પાકિસ્તાન જવા માટે કંદહાર એરપોર્ટ પણ કોણ છોડીને આવ્યું હતું. કોંગ્રેસના અધ્યક્ષે કહ્યું કે આજે રોજગાર સૌથી મોટો મુદ્દો છે અને વડાપ્રધાન મોદીએ દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી નાખી છે. કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે, પીએમ મોદીએ લોકો પાસેથી કરના રૂપમાં નાણા લીધા પણ અમે લોકોને નાણા આપીશું. આ દરમિયાન રાહુલ ગાંધીએ ફરીવાર પીએમ મોદીને ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો હતો. તેમણે જણાવ્યું કે, પીએમ મોદીએ બે કરોડ નોકરીઓ આપવાનો વાયદો કર્યો હતો. હવે દેશ પુછી રહ્યો છે કે, આ નોકરીઓ ક્યાં છે. વડાપ્રધાન હવે નોકરીઓ અને ખેડૂતો વિશે કાંઇ કહેતા નથી. દેશના આગામી વડાપ્રધાન કોણ બનશે તે અંગેના સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આ નિર્ણય દેશની જનતા કરશે. તેમણે સાથે જ કહ્યું કે ચૂટણી જીતવી કોંગ્રેસ પાર્ટીનું પ્રથમ લક્ષ્યાંક છે. ચાર તબક્કા બાદ એ નક્કી થઇ ગયું છે કે, ભાજપ ચૂંટણી હારી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીનું આકલન છે કે, મોદી ચૂંટણી હારી રહ્યા છે. અડધાથી વધુ બેઠકો પર ચૂંટણી થઇ ચૂકી છે અને એક સ્પષ્ટ બાબત બહાર આવે છે કે, મોદીજી ચૂંટણી હારી રહ્યા છે. વાસ્તવિકતા એ જ છે કે, મોદીના ચહેરા પર હારના ભાવ દેખાઇ રહ્યા છે. વડાપ્રધાન પર પ્રહાર કરતા રાહુલે કહ્યું કે, મોદીજીની રણનીતિ વિચલિત કરનારી છે. અમે તેમની સામે ચારથી પાંચ ચૂંટણી લડ્યા. અમે તેમની સામે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી લડ્યા. તેમને જ્યારે ખબર પડી કે તેઓ જીતવાના નથી ત્યારે તેઓ ગુજરાતમાં સીપ્લેન જેવું કાંઇક નવું લઇ આવ્યા. મોદી હંમેશા સેના પર રાજનીતિ કરે છે પણ હું કહેવા માગું છું કે, સેના કોઇની સંપત્તિ નથી. મોદી એવું વિચારે છે કે, આર્મી, એરફોર્સ અને નેવી તેમની અંગત સંપત્તિ છે. તેઓ જ્યારે કહે છે કે, યુપીએ સરકારમાં થયેલી સર્જિકલ સ્ટ્રાઇક વીડિયો ગેમ્સ જેવી છે તો તેઓ કોંગ્રેસનું નહીં પણ સેનાનું અપમાન કરે છે. વડાપ્રધાન મોદીએ રાજસ્થાનના સિકરમાં એક સભામાં કહ્યું હતું કે, જે પાર્ટી સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ કરતી હતી તે હવે મી ટુ, મી ટુ કરે છે. પુલવામામાં આતંકવાદી હુમલામાં ૪૦ સીઆરપીએફ જવાનો શહીદ થયા બાદ ભારતીય સેનાની એર સ્ટ્રાઇક અંગે મોદી સતત પોતાની ચૂંટણી સભાઓમાં ઉલ્લેખ કરતા રહ્યા છે.