(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
દિલ્હીમાં સીબીઆઇ વિરૂદ્ધ સીબીઆઇની ચાલી રહેલી લડાઇને રાહુલ ગાંધીએ ‘ક્રાઇમ થ્રીલર’ તરીકે ગણાવી છે અને તેને મથાળું ‘ચોકીદાર હી ચોર’ આપ્યું છે. સવારે ટિ્‌વટમાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ છે કે, નવા એપિસોડમાં સીબીઆઇના અધિકારીએ કેન્દ્રીય મંત્રી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, કાયદા સચિવ અને કેબીનેટ સચિવ પર ગંભીર આરોપો મુક્યા છે. કોઇનું નામ લીધા વિના રાહુલે પ્રહાર કર્યો કે, ‘કરોડો રૂપિયા મેળવવા ગુજરાતમાંથી તેમના ભાગીદાર.’ ‘‘અધિકારીઓ થાકી ગયા. વિશ્વાસ તૂટી ગયો. લોકશાહી રડી રહી છે.સીબીઆઇના સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના વિરૂદ્ધ લાંચના આરોપોની તપાસ કરી રહેલા આઇપીએસ અધિકારી મનિષકુમાર સિંહાએ સોમવારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવી નાગપુરમાં પોતાની ટ્રાન્સફરને અટકાવવા તથા આ કેસની તપાસ સોંપવાની માગણી કરી હતી. આ દરમિયાન તેમણે અસ્થાના અને સરકારમાં કાયદા સચિવ સહિતના ટોચના અધિકારીઓ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ અને રાજ્યમંત્રી પર ભ્રષ્ટ્રાચારના આરોપો લગાવ્યા હતા. વર્ષ ૨૦૧૩માં જ્યારથી નરેન્દ્ર મોદીએ પોતાને દેશનો ચોકીદાર ગણાવ્યા હતા અને બાદમાં સરકારમાં ભ્રષ્ટાચારના અનેક મામલા સામે આવ્યા બાદથી રાહુલ ગાંધી સતત મોદી પર ચોકીદાર તરીકેના સંબોધનથી ટીકા ટીપ્પણી કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ મોદી પોતાને ચોકીદાર ગણાવે છે પણ કોના તે કોઇ દિવસ સ્પષ્ટ કર્યું નથી. રાફેલ સોદાના આરોપો વચ્ચે પણ તેમણે મોદી પર ‘ઉદ્યોગપતિઓના ચોકીદાર’નો ટોણો માર્યો હતો. તેઓએ કહ્યું કે, ફ્રાન્સ સાથે રાફેલ સોદો કરતા સમયે મોદીએ અનિલ અંબાણીને પસંદ કર્યા અને ૪૫,૦૦૦ કરોડ રૂપિયા તેમના ખિસ્સામાં સેરવી દીધા. બીજી તરફ મોદીના મૌન પર પ્રહાર કરતા સમયે તેઓ એવું પણ બોલે છે કે, હવે શેરીઓમાં એવું સાંભળવા મળે છે કે, દેશનો ચોકીદાર ચોર છે. ‘ગલી ગલી મેં શોર હૈ, હિન્દુસ્તાન કા ચોકીદાર ચોર હૈ’’. રાહુલના આ શબ્દો સામે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ વાંધો ઉઠાવ્યો હતો.