ગ્રેનેડા, તા.૨૮
વેસ્ટઇન્ડિઝ ટીમના ધરખમ બેટ્‌સમેન ક્રિસ ગેઇલે પોતાની કેરિયરની ૨૫મી સદી ફટકારીને વધુ એક સિદ્ધિ પોતાના નામ ઉપર કરી લીધી છે. ઇંગ્લેન્ડની સામે બુધવારના દિવસે ગ્રેનેડામાં રમાયેલી મેચમાં યુનિવર્સ બોસ ૧૦,૦૦૦ ક્લબમાં એન્ટ્રી કરી ગયો હતો. ૩૯ વર્ષીય ગેઇલે ૨૮૮મી વનડે મેચ રમતા આ સિદ્ધિ મેળવી હતી. ગેઇલે ૮૮ રન બનાવતાની સાથે જ તે ૧૦,૦૦૦ રન બનાવનાર ખેલાડીઓના ક્લબમાં જોડાઈ ગયો હતો. આની સાથે જ આ મેચમાં ૫૦૦ આંતરરાષ્ટ્રીય છગ્ગા ફટકારી દેવાનો રેકોર્ડ પણ કરી લીધો હતો. ક્રિસ ગેઇલ હવે દુનિયાનો એકમાત્ર એવો બેટ્‌સમેન છે જે ૫૦૦થી વધારે છગ્ગા ફટકારી ચૂક્યો છે. ૧૦,૦૦૦ ક્લબમાં સામેલ થનાર ગેઇલ દુનિયામાં ૧૪મો અને વેસ્ટઇન્ડિઝનો બીજો ખેલાડી બની ગયો છે. ક્રિસ ગેઇલે ૫૫ બોલમાં સદી પૂરી કરી લીધી હતી. આ ગાળા દરમિયાન ગેઇલે ૫૦૦ છગ્ગા ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. ગેઇલના નામ ઉપર હવે ૫૦૬ છગ્ગા થઇ ગયા છે.