સ્પેશિયલ જજ મધુસુદન શર્માએ આસારામ કેસનો ચુકાદો જોધપુરની સેન્ટ્રલ જેલમાં જ સંભળાવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. આ ઉપરાંત અન્ય બે આરોપીઓને પણ ૨૦-૨૦ વર્ષની સજા સંભળાવાઇ હતી. બીજી તરફ કોર્ટે પ્રકાશ અને શિવા નામના બે આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા. આસારામને જ્યારે કોર્ટમાંથી બહાર લઇજવાતો હતો ત્યારે તે કોન્સ્ટેબલને કહી રહ્યો હતો કે, ‘‘ખાયેંગે, પીએંગે ઓર જેલમેં મોજ કરેંગે’’. આસારામને જોધપુરની સેન્ટ્રલ જેલની બેરેક નંબર-૨માં મુકાયો હતો. પણ તરત જ તેણે છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. તેના વકીલોએ કહ્યું હતું કે, તેઓ ઉપલી કોર્ટમાં ચુકાદાને પડકારશે કારણ કે કોર્ટે મીડિયા અહેવાલોના દબાણમાં આવી ચુકાદો આપ્યો છે. આસારામ સામે રાજસ્થાન પોલીસે ૧૩૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. સુનાવણી સાતમી એપ્રિલે પુરી થઇ હતી જ્યારે કોર્ટે ૨૫મી એપ્રિલ સુધી ચુકાદો અનામત રાખ્યો હતો.