પંચકુલા, તા. ૨૫
ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમિત રામ રહીમ બળાત્કારના મામલામાં દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી. તેમના ઉપર આશ્રમની એક સાધ્વી ઉપર બળાત્કારનો આક્ષેપ છે. બાબા પર રેપ ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકીની કલમ હેઠળ કેસ નોંધાવવામાં આવ્યો હતો. તેમને ૧૦ વર્ષની સજા થઇ શકે છે. ચુકાદો વાંચવામાં ૧૦ મિનિટનો સમય લાગ્યો હતો. જ્યારે ચુકાદો આપવામાં આવી રહ્યો હતો ત્યારે રામ રહીમ હાથ જોડીને કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. ચુકાદો નિર્ધારિત સમય ૨.૩૦ વાગે આપી શકાયો ન હતો કારણ કે, બાબા રામ રહીમ મોડેથી કોર્ટમાં પહોંચ્યા હતા. કોર્ટ રૂમની અંદર કોઇને પણ જવાની મંજુરી અપાઈ ન હતી જેમાં માત્ર જજ, વકીલ, બે પોલીસ અધિકારી અને આરોપી ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ આજે સવારે ચુકાદો આપવામાં આવ્યો તે પહેલા બાબા રામ રહીમનો કાફલો કોર્ટ તરફ આગળ વધ્યો હતો. ગુરમિત રામ રહીમ શુક્રવારે સવારે સિરસા સ્થિત પોતાના આશ્રમથી પંચકુલાની કોર્ટ માટે રવાના થયા હતા. પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે, તેઓ હેલિકોપ્ટર મારફતે પહોંચશે. તેમના કાફલામાં ૮૦૦થી વધુ ગાડીઓનો કાફલો હતો. સિરસાથી પંચકુલા ૨૫૦ કિલોમીટરના અંતરે છે. હરિયાણા પોલીસે ગુરમિત રામ રહીમને ઝેડ પ્લસની સુરક્ષા આપી હતી. એક જગ્યાએ તેમના કાફલાની કેટલીક ગાડીઓ પારસ્પરિક રીતે અથડાઈ ગઈ હતી. કેટલાક લોકો કાફલાની આગળ આવી ગયા હતા અને રસ્તા ઉપર અડચણો ઉભી કરવા લાગ્યા હતા. કેટલાક સમર્થકો બેભાન પણ થઇ ગયા હતા. રામ રહીમ કેસમાં ચુકાદો આવ્યા બાદ વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી જેમાં ૧૭થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. બિનસત્તાવારરીતે આંકડો વધારે હોઈ શકે છે.