(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
રાફેલ જેટ સોદાની તપાસ માટે પુનઃ વિચાર અરજી દાખલ થયેલ છે. જેની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટે કરી હતી. સરકાર તરફે રજૂઆત કરતા એટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલે દસ્તાવેજો ઉપર સરકાર અરજી સાથે મૂકાયેલ આ દસ્તાવેજોને દૂર કરવામાં આવે. કારણ કે, એ ચોરી કરાયેલ લીક દસ્તાવેજો છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે ચુકાદો અનામત રાખ્યો છે. એટોર્ની જનરલે જ્યારે વિશેષ અધિકારની વાત કરો છો એ તો પહેલેથી કોર્ટમાં રજૂ કરાયા છે. સરકારે ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરી જણાવ્યું હતું કે, કોર્ટ સમક્ષ રજૂ કરાયેલ દસ્તાવેજો રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિથી સંવેદનશીલ છે અને યુદ્ધ વિમાનની ક્ષમતા સાથે સંબંધિત છે. એટોર્ની જનરલે કોર્ટને કહ્યું કે, સીએજી રિપોર્ટ રજૂ કરતી વેળા સરકાર દ્વારા ભૂલ થઈ છે. એમાંથી ત્રણ પાના ગુમ છે. અમે એ ત્રણ પાનાને પણ રેકોર્ડ ઉપર લાવવા વિનંતી કરીએ છીએ. એમણે કહ્યું કે, લિક થયેલ દસ્તાવેજોના આધારે દાખલ થયેલ રિવ્યુ અરજીને રદ્દ કરવી જોઈએ. એટોર્નીએ વધુમાં કહ્યું કે, ચોરી કર્યા પછી દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરાયા છે, જેથી એને સુનાવણીનો આધાર નહીં બનાવવો જોઈએ. નિયમો મુજબ સરકારના દસ્તાવેજો પરવાનગી વિના પ્રકાશિત નહીં કરી શકાય. આ મુદ્દે જજ જોસેફે આરટીઆઈ કાયદાનો હવાલો આપી કહ્યું, આરટીઆઈ કાયદાની કલમ ર૪ હેઠળ ગોપનિય અને સુરક્ષા સંસ્થાઓએ પણ ભ્રષ્ટાચાર અને માનવ અધિકારોના ઉલ્લંઘન બાબત માહિતી આપવા બંધાયેલ છે. આ કાયદાની કલમો રર અને ર૪ ઓફિસિયલ સિક્રેટ એક્ટની ઉપરવટ છે. એટોર્ની જનરલે કહ્યું, પણ રાષ્ટ્રની સુરક્ષા બધાની ઉપરવટ છે. અરજદારના વકીલે ઓફિસિયલ સિક્રેટ એક્ટનો ભંગ કર્યો છે, જે હેઠળ રક્ષા મંત્રાલય સાથે સંબંધિત દસ્તાવેજો સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી શકાય નહીં. વકીલ ભૂષણે આ દસ્તાવેજોની ફોટોકોપી મેળવી અરજી સાથે રજૂ કરી છે. જેથી રિવ્યુ અરજી રદ્દ કરવી જોઈએ. વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, સરકારની દલીલ ટકવા પાત્ર નથી. કારણ કે, સીએજીનો રિપોર્ટ જે રજૂ કરાયો છે. એમાં સુરક્ષા માટે કરાયેલ ખરીદીની વિગતો છે. આ રિપોર્ટ પણ જાહેર થવાનો છે. જેથી એ કહેવું કે, સુરક્ષા સંબંધી ખરીદીનો રિપોર્ટ જાહેર થવો જોઈએ નહીં. સરકારની આ દલીલ પણ ટકવાપાત્ર નથી.