અમદાવાદ, તા.રપ
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ની વીજ કંપનીઓના અધિકારી-કર્મચારીઓને પણ સાતમા પગાર પંચ અંતર્ગત પગાર તફાવતની રકમની ચૂકવણી રાજ્ય સરકાર દ્વારા કરવાનો કર્મચારી હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ના કર્મચારીઓને તા.૧/૮/૨૦૧૭થી નવા પગાર ધોરણ મુજબ પગાર ચૂકવેલ છે પરંતુ તા.૧/૧/૨૦૧૬થી તા.૩૧/૭/૨૦૧૭ એટલે કે કુલ ૧૯ માસના પગારના એરીયર્સની રકમ ચૂકવવામાં આવશે. જેનો લાભ ૪૮,૦૦૦થી વધુ અધિકારી-કર્મચારીઓને મળશે જેના કારણે વિવિધ વીજ કંપનીઓને રૂ.૫૨૧ કરોડનું વધારાનું ભારણ આવશે. ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અધિકારી-કર્મચારીઓને એરીયર્સની ચૂકવણી કરાઈ હતી તે મુજબ જ જુલાઈ માસથી એકાંતરે ત્રણ હપ્તામાં આ એરીયર્સની રકમ ચૂકવાશે. તદ્‌અનુસાર પ્રથમ હપ્તો જુલાઈ-૨૦૧૮ બીજો હપ્તો સપ્ટેમ્બર-૨૦૧૮ અને ત્રીજો હપ્તો નવેમ્બર-૨૦૧૮માં એમ ત્રણ સરખા હપ્તામાં એરીયર્સની રકમ ચૂકવાશે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ની સલગ્ન કંપનીઓ પગાર ભથ્થાની ચૂકવણી તેમના સ્વભંડોળમાંથી કરે છે.