(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૭
હાલના દિવસોમાં ઘણી વાતો એવી બની છે જે દેશના ઈતિહાસમાં પહેલીવાર બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા અને મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈને મળ્યા હતા. રવિવારે રાત્રે ૯.૩૦ કલાકે વડાપ્રધાન મોદી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. વિધિ દિવસની પૂર્વ સંધ્યાએ કોર્ટ દ્વારા આયોજિત ભોજન સમારંભમાં તેઓ પહોંચ્યા હતા. જે બીઆઈએમએસટીઈસી દેશો એટલે કે બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર અને થાઈલેન્ડના જજો માટે આયોજિત કરાયો હતો. આ ખબર કે ફોટો લોકો સુધી પહોંચ્યો ન હતો. પરંતુ વેબ પોર્ટલ પર મળેલ તસવીર પ્રભાકર મિશ્રા નામના પત્રકારે પ્રગટ કરી છે. આ બાબતે રિપોર્ટસ કવર કરનારને કંઈ બતાવાયું ન હતું. જેનું કારણ શું હતું તે આપણે માત્ર અનુમાન લગાવી શકીએ. મિશ્રાએ કહ્યું કે, એક ક્રાંતિકારી એડવોકેટે ફોન કરી મને જણાવ્યું હતું કે, વડાપ્રધાન સુપ્રીમ કોર્ટમાં આવી રહ્યા છે. તેમને કેમ આવવું પડે ? જ્યારે મુખ્ય ન્યાયમૂર્તિ ગોગોઈએ વડાપ્રધાન મોદી સામે રાફેલ ડીલના મુદ્દે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. આ બધા પ્રશ્નો સાંભળી હું ચકિત થઈ ગયો. મેં કહ્યું કે, વડાપ્રધાન સુપ્રીમ કોર્ટમાં આવે તેમાં શું થઈ ગયું ? જજોના ભોજન સમારંભમાં સામેલ હોવાથી સમસ્યા શું છે ? એડવોકેટે કહ્યું કે આજદિન સુધી વિધિ દિવસના પ્રસંગે કદી વડાપ્રધાન આવ્યા નથી. હવે આજે કેમ ? જે સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ પર મુખ્ય ન્યાયમૂર્તિની ખંડપીઠ સુનાવણી કરી રહી છે. ભ્રષ્ટાચારના આરોપી ખુદ વડાપ્રધાન છે. તેવી સ્થિતિમાં પ્રધાનમંત્રીને મુખ્ય ન્યાયમૂર્તિ સાથે કોર્ટમાં આવી કેમ મુલાકાત કરવી પડી ? હવે આ તસવીર જોઈ વિચારું છું કે, એડવોકેટની વાત બિનજરૂરી નથી. ન્યાયપાલિકામાં કાર્યપાલિકાની દખલનો આરોપ જૂનો છે. હાલમાં જજોએ પ્રેસ કોન્ફરન્સ કરી આ વાતોને સાબિત કરી છે. વિપક્ષોએ પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા સામે મહાભિયોગ અભિયાન લાવવાની કોશિશ કરી હતી. દીપક મિશ્રાને ભાજપના અને સરકારના સીજેઆઈ સાબિત કરવાની હર સંભવ કોશિશ કરાઈ, કેટલીક હદે આવી ઈમેજ પણ બની હતી. હવે વડાપ્રધાન મોદી અને મુખ્ય ન્યાયમૂર્તિની મુલાકાતની તસવીર જુઓ. જો રાફેલ ડીલમાં મોદી સરકારને ક્લિનચીટ મળી જાય તો લોકો શું કહેશે ? આ ફોટાને આધાર બનાવી માય લોર્ડ અને સરકારના સંબંધો પર સવાલ નહીં ઉઠાવે ? ન્યાયપાલિકાની ગરીમા માટે મુલાકાતની આ તસવીર સારી નહીં કહેવાય. માય લોર્ડ (ટીવી જર્નાલિસ્ટ પ્રભાકર મિશ્રાના આ અંગત વિચારો, તેમની ફેસબુક પોસ્ટ પરથી).