અમદાવાદ, તા.૧૧
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ‘ઓળખો તમારા ઉમેદવાર’ને ઝુંબેશ અંતર્ગત ગુજરાત ટુડેએ અમદાવાદની જમાલપુર-ખાડિયા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલા સાથે ખાસ વાતચીત કરી હતી. ખાસ વાતચીતમાં ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે ર૦ વર્ષથી કોર્પોરેટર તરીકે પ્રજાની સેવા કરી રહ્યો છું ત્યારે દરેક ચૂંટણીમાં પ્રજાએ મારા ઉપર ભરોસો રાખીનો મને જીતાડ્યો છે અને મેં પણ પ્રજાનો વિશ્વાસ ટકાવી રાખ્યો છે ત્યારે જમાલપુરની પ્રજા માટે હું નવો નથી અને મારા માટે પ્રજા પણ નવી નથી. જો કે આટલા વર્ષોથી કોર્પોરેટર છું એટલે પ્રજાની સમસ્યાઓથી વાકેફ છું ત્યારે ચૂંટાયા બાદ પ્રજાની સમસ્યાઓનો ઉકેલ લાવવા અથાગ મહેનત કરીશ. કોર્પોરેટર તરીકે કરેલા કાર્યો અંગે તેમણે જણાવ્યું હતું કે, અત્યારસુધી તેમણે પ્રજાના કલ્યાણના ઘણા કાર્યો કર્યા છે જેમાં વસંત રજબ હોલના રીનોવેશન માટે રૂા.૧ કરોડનું જનરલ બજેટ વાપર્યું હતું. તેવી જ રીતે આસ્ટોડિયા બગીચાનું ડેવલપમેન્ટ કર્યું. સિનિયર સિટિઝન પાર્ક બનાવ્યું. આંગણવાડી બનાવી હાલમાં લાલ દરવાજા ખાતેના દિનભાઈ ટાવરમાં દવાખાનું બંધ હાલતમાં છે તેને શરૂ કરવાનું કામ કર્યું છે. ચૂંટણી જીત્યા બાદ તમે કયા કાર્યો કરશો તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે ચૂંટાયા બાદ સૌપ્રથમ મારા વિસ્તારના આગેવાનો, કોર્પોરેટરો અને દરેક સમાજના આગેવાનો સાથે બેઠક કરી તેમની સમસ્યાઓ જાણી તેનો ઉકેલ લાવીશ. જમાલપુર બેઠકની ચૂંટણી ઈમરાન ખેડાવાલા નહીં પણ કોંગ્રેસ પાર્ટી લડી રહી છે. કોંગ્રેસના ૧૬ ઉમેદવારોએ ટિકિટ માગી હતી તે ૧૬ ઉમેદવારોનો ઉમેદવાર હું છું. તેઓ જ મારી તાકાત છે. ભાજપ વિકાસના મુદ્દો બાજુમાં રાખીને ચૂંટણી લડી રહી છે. તેવા પ્રશ્નના જવાબમાં ખેડાવાલાએ જણાવ્યું હતું કે ભાજપ કહે છે વિકાસ થયો અને પ્રજા કહે છે વિકાસ થયો જ નથી. ખરેખરમાં વિકાસ થયો તેવી વાતો કરીને ભાજપ જાહેરાતો કરે છે. સૌનો વિકાસની વાતો પણ ખરેખરમાં ભાજપના ધારાસભ્યો, કોર્પોરેટરો, કાર્યકરોનો વિકાસ થયો છે. પ્રજાનો વિકાસ થયો જ નથી ત્યારે અમે પ્રજાનો વિકાસ કરીશું. કોંગ્રેસના શાસનમાં ગરીબોને સસ્તુ અનાજ મહિનામાં બે વાર મળતું હતું. જ્યારે આજે ગરીબોને અનાજ, કેરોસીન મળતું નથી. સબસિડીવાળા ગેસના બાટલા પણ મળતા નથી. એમ ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું.