અમદાવાદ, તા.પ
ગુજરાતમાં પાટીદારોને અનામતની માગ સાથે ચાલી રહેલા પાટીદાર આંદોલનથી જાણે ગુજરાતની ભાજપ સરકાર ગભરાઈ ગઈ હોવાથી પાટીદાર આંદોલન ઉપર બનેલી ગુજરાતી ફિલ્મને રિલિઝ થવા નહીં દેતા ફિલ્મના પ્રોડ્યુસરે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પત્ર લખીને રજૂઆત કરી છે કે આ ગુજરાતની ફિલ્મ રિલિઝ કરવામાં મદદ કરે. પ્રાપ્ત વિગતો મુજબ અનામતના મુદ્દાને આવરી લેતી ગુજરાતી ફિલ્મ ‘પાવર ઓફ પાટીદાર’ બનાવનારા પ્રોડ્યુસર દીપક સોનીએ કોંગ્રેસના રાહુલ ગાંધીને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે ગુજરાતમાં પાટીદારોને અનામત માટે ચાલી રહેલા આંદોલનના મુદ્દે ગુજરાતી ફિલ્મ બનાવી છે. જેમાં આંદોલનના નેતા હાર્દિક પટેલ ઉપર થોડો ફોક્સ કરવામાં આવ્યો છે. પરંતુ આ ફિલ્મ ગુજરાત સરકાર રિલિઝ થવા દેતી નથી. સેન્સર બોર્ડને પર્સનલી પ્રેશર કરીને આ ફિલ્મને બેન કરવામાં આવી છે. જો કે આ ફિલ્મમાં કોઈ વાંધાજનક દૃશ્યો કે કોઈ ડાયલોગ નથી. તદ્‌ઉપરાંત હાર્દિક પટેલ સાથે મારે કોઈ લેવાદેવા નથી. હું પણ પાટીદાર જ્ઞાતિનો નથી. મેં આ ફિલ્મના માધ્યમથી જે સત્ય છે તે બતાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ ગુજરાતમાં ચૂંટણી નજીક હોવાને કારણે આ ફિલ્મની રિલિઝને રોકવામાં આવી રહી છે. ગુજરાત સરકાર પોતાની વોટબેંક હાથમાંથી છૂટી ન જાય અને ર૦૧૭ની ચૂંટણીમાં ભાજપ હારી ન જાય તેના ડરથી આ ફિલ્મને બેન કરવામાં આવી છે. તેથી તમે મદદ કરીને આ મુદ્દાને દિલ્હી સુધી લઈ જઈને વિરોધ કરીને મારી ફિલ્મને રિલીઝ કરવામાં મદદરૂપ બનો. એમ દીપક સોનીએ રાહુલ ગાંધીને પત્ર લખીને રજૂઆત કરી છે.
ફિલ્મને રિલીઝ થતી અટકાવવી એ સરકારની તાનાશાહી : હાર્દિક પટેલ

આગામી ચૂંટણીમાં ભાજપ હારી ન જાય તે માટે પાટીદાર આંદોલન ઉપર બનેલી ગુજરાતી ફિલ્મને રિલીઝ થતી અટકાવવામાં આવી હોવાના આક્ષેપ સાથે પ્રોડ્યુસરે રાહુલ ગાંધીને રજૂઆત કરી ફિલ્મને રિલીઝ કરાવવા મદદની માગ કરી છે. ત્યારે આ સમગ્ર મામલે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે પાટીદાર આંદોલન ઉપર બનેલી ફિલ્મ એ મનોરંજનનું સાધન છે ત્યારે સરકારે તેને રિલીઝ થતી અટકાવી પોતાની તાનાશાહી કેટલી છે તે સાબિત કર્યું છે. જો કે અગાઉ પણ બાલ ઠાકરે સહિતના રાજકીય નેતા ઉપર ફિલ્મો બની જ છે. ત્યારે સરકાર જે વિરોધ કરી રહી છે તે કેટલો યોગ્ય છે ??